વડોદરાના ચેક રિટર્ન કેસમાં આરોપીને 15 મહિનાની કેદની સજા ફટકારી
વડોદરા,તા.21 ઓગસ્ટ 2023,સોમવાર
મિત્રતામાં રીક્ષા ચાલકે બે લાખની આર્થિક મદદ કર્યા બાદ તે રકમ પરત અંગેના ચેક રિટર્ન કેસનો ચુકાદો આપતા અદાલતે ફરિયાદ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને 15 મહિનાની સાદી કેદની સજા ફટકારવા સાથે ફરિયાદીને વળતર પેટે રૂ.2.10 લાખ ચૂકવવા હુકમ કર્યો છે.
આ અંગેની વિગત એવી છે કે, વર્ષ 2018 દરમિયાન રીક્ષા ચાલક ફરિયાદી વાહિદભાઈ રસિદભાઈ રાઠોડ (રહે- આતીફ નગર, તાંદલજા) અને આરોપી રીન્કુ સુખીભાઈ ચૌધરી (રહે- જયભવાની નગર, અકોટા રેલ્વે લાઈન પાછળ ) વચ્ચે મિત્રતા હતી. ફરિયાદીએ આરોપીને હાથ ઉછીની રૂ. બે લાખની રકમ આપી હતી. જે રકમ પરત અંગેનો ચેક બેંકમાં ડિપોઝિટ કરાવતા રિટર્ન થતા ફરિયાદીએ આરોપી સામે ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ કર્યો હતો. સુનાવણી હાથ ધરાતા ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી રીઝવાન. એમ કુરેશીએ દલીલો કરી હતી. બંને પક્ષોની દલીલો અને પુરાવાની ચકાસણી બાદ 15માં એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એજાજઅલી મખદુમઅલી બુખારીએ નોંધ્યું હતું કે, આરોપી પક્ષ ફરિયાદ પક્ષના કેસને ખંડિત કરી શકે તેવી હકીકત રેકોર્ડ પર લાવી શક્યા નથી. આરોપી દ્વારા કોઈ વિરુદ્ધની હકીકત પુરવાર કરવા માટે હાજર રહ્યા નથી. ફરિયાદીની ઉલટ તપાસમાં આરોપી પાસેથી કાયદેસરના લેણા પેટે રૂ.દોઢ લાખ બાકી પેટે નીકળે છે. આમ , ફરિયાદી દ્વારા પોતાના પુરાવાથી હાલનો ગુનો બનતો હોવાની હકીકત પુરવાર કરેલ છે.