ચોરીનો આક્ષેપ, અપહરણ કરી દોરડાથી બાંધીને દંડા પટ્ટાથી મારતા યુવકનું મોત
દાણીલીમડા કસાઇની ચાલીમાં ઓરડીમાં ગોંધી રાખીને ઢોર માર માર્યો
પેન્ટમાં કપચી પથ્થર નાંખી બેરહમીથી મારતા સારવાર દરમિયાન મોત
અમદાવાદ,રવિવાર
દાણીલીમડા વિસ્તારમાં રહેતા યુવક ઉપર ચોરી કર્યાનો આક્ષેપ કરીને રિક્ષામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને દાણીલીમડા ઢોર બજાર પાસે કસાઇની ચાલીમાં લઇ જઇને ઓરડીમાં પુરી દીધા બાદ દોરડાથી બાંધીને પેન્ટમાં કપટી તથા પથ્થર નાંખીને દંડા અને પટ્ટાથી ઢોર માર મારતા યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે એક મહિલા સહિત સાત લોકો સામે હત્યા અપહરણ સહીતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને સોંપી દેવાનું કહેતા અમારી રીતે સોંપીશું કહી ઉપાડી ગયા, પેન્ટમાં કપચી પથ્થર નાંખી બેરહમીથી મારતા સારવાર દરમિયાન મોત
આ કેસની વિગત એવી છે કે દાણીલીમડા વિસ્તારમાં બેરલ માર્કટ પાસે રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં કસાઇ જમાતની ચાલી, ઢોર બજાર પાસે રહેતી મહિલા સહિત સાત લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૫ના રોજ વહેલી સવારે એક મહિલા સહિત સાત લોકો ફરિયાદીના ભાઇને લઇને આવ્યા હતા. મહિલાએ કહ્યું કે આ તારા ભાઇએ બકરા, રોકડા રૃપિયા અને સોનાની બાલીની ચોરી કરેલ છે. જેથી ફરિયાદીએ કહ્યું કે જા ચોરી કરી હોય તો પોલીસને સોંપી દો ત્યારે મહિલાએ અમો અમારી રીતે સોંપી દઇશું તેમ કહીને ફરિયાદીના ભાઇને રિક્ષામાં બેસાડીને લઇ ગયા હતા.
બાદમાં બપોરે ફોન કરીને તમારા ભાઇને લઇ જોઓ કહેતા ફરિયાદી પરિવારજનો સાથે કસાઇની ચાલીથી ઘરે લઇ આવ્યા હતા ઘરે આવીને ફરિયાદીના ભાઇએ કહ્યું કે આરોપીઓએ ચોરીનો આક્ષેપ કરીને દોરડાથી બાંધીને ઓરડી બંધ કરીને પેન્ટમાં કપચી તથા પથ્થર નાંખીને દંડા તથા પટ્ટાથી યુવક બેભાન થઇ ગયો ત્યાં સુધી સતત ઢોર માર માર્યો હતો, બાદમાં ભાનમાં આવતા પરિવારજનો બોલાવીને સુપરત કર્યો હતો. યુવકને ગંભીર ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે ખાનગી બાદ એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર દરમિયાન મોત થયું હતું.