લાલબાગ બ્રિજ પર ઇનોવાનું ટાયર ફાટતા અકસ્માતમાં યુવાનનું મોત
ઇનોવા ડિવાઇડર તોડીને રોંગસાઇડ પર ધસી જતા ઇલેક્ટ્રિક સ્કૂટરને અથડાઇ ઃ બ્રિજ પર ટ્રાફિકજામ
વડોદરા, તા.25 શહેરના લાલબાગ બ્રિજ પર ઇનોવા ગાડીનું ટાયર ફાટયા બાદ ડિવાઇડર કૂદાવી ગાડી રોંગ સાઇડ પર ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે અથડાતા સ્કૂટરના ચાલક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે તરસાલી વિસ્તારમાં ગંગાસાગર ખાતે રહેતા ધનંજય પાટીલનો યુવાન પુત્ર મોહિત તેના મિત્રોને મળવા માટે ફતેગંજ જવા માટે પોતાના ઘેરથી ઇલેક્ટ્રિક સ્કૂટર લઇને નીકળ્યો હતો. લાલબાગ બ્રિજ પરથી તે પસાર થતો હતો ત્યારે અચાનક રોંગસાઇડ પરથી ડિવાઇડર તોડીને ઘસી આવેલી ઇનોવા કારે ટક્કર માર્યા બાદ સ્કૂટરને ઘસડીને બ્રિજની દિવાલ સાથે અથાડતા ગાડી સાથે દબાઇ જતાં જ મોહિતનું ઘટનાસ્થળે કરૃણ મોત નપજ્યું હતું.
અકસ્માતના પગલે બ્રિજ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો અને પોલીસ પણ દોડી આવી હતી. મોહિતના મૃતદેહને સયાજી હોસ્પિટલ લઇ જવાયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે ઇનોવા ગાડીનું ટાયર ફાટતા તે ડિવાઇડર કૂદાવી રોંગ સાઇડ પર જઇ ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે અથડાઇ હતી. પોલીસે ગાડીના ચાલકની અટકાયત કરી હતી.
ઉલ્લેખનીય છે કે મૃતક મોહિત વાઘોડિયા તાલુકાની ખાનગી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. બનાવ અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.