વડોદરા, તા.19 જાન્યુઆરી, રવિવાર
વડોદરા લાંચ રુશ્વત વિરોધી બ્યુરોમાં લાંચના કેસોમાં મોટી રકમની લાંચ લેવાના બનાવો વધી રહ્યા છે જો કે વર્ષ-૨૦૧૮ની સરખામણીમાં વર્ષ-૨૦૧૯માં કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વર્ષ-૨૦૧૮માં લાંચના ગુના છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે નોંધાયા હતાં. ગૃહ વિભાગ તેમજ પંચાયત વિભાગ ભ્રષ્ટાચારમાં અવ્વલ છે.
મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજ્યના સરકારી વિભાગોમાંથી ભ્રષ્ટાચારની બદી દૂર કરવા માટે પોતાના ફેસબુક એકાઉન્ટ પર વાત કરી હતી. કદાચ એસીબીમાં નોંધાતા ગુનાઓ તેમની વાતને સમર્થન આપતા હોય તેમ લાગે છે. વિવિધ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફુલી ફાલ્યો છે કદાચ તે વાત એસીબીના આંકડા પરથી સાચી લાગી રહી છે.
એસીબી વડોદરા એકમમાં વડોદરા શહેર-જિલ્લો, છોટાઉદેપુર, ભરૃચ, નર્મદા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં આવેલા કુલ આઠ પોલીસ સ્ટેશનોમાં વર્ષ-૨૦૧૯માં ટ્રેપ તેમજ ડિકોયના ૩૮ ગુના વડોદરા એકમમાં નોંધાયા છે જ્યારે ૨ ગુના અપ્રમાણસર મિલકત અંગેના નોંધાયા છે. આ ઉપરાંત સત્તાના દુરઉપયોગના ૩ ગુના મળી કુલ ૪૩ ગુના શોધી કાઢવામાં આવ્યા છે આ ગુનાઓમાં સરકારના વિવિધ વિભાગોના કુલ ૬૪ રાજ્ય સેવકો તથા ૬ ખાનગી વ્યક્તિ મળી કુલ ૭૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વર્ષ-૨૦૧૮માં કુલ ૭૦ ગુનાઓ નોંધાયા હતા અને ૧૧૩ની ધરપકડ કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે ચાલુવર્ષમાં ભ્રષ્ટાચાર અંગેના જે ગુનાઓ નોંધાયા છે તે સરકારના ગૃહ વિભાગ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ (જીએલડીસી), મહેસુલ વિભાગ, વન અને પર્યાવરણ વિભાગનો સમાવેશ થાય છે.


