સોનાના ભાવમાં 10 વર્ષનો સૌથી મોટો કડાકો! ચાંદીની કિંમત પણ રેકોર્ડ હાઈથી અડધી, જાણો કારણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold And Silver Prices Crash : આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર સોનાના ભાવ કોઈ એક ક્વાર્ટરમાં આટલી ઝડપથી નીચે આવ્યા છે. ગત 24 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું 4,000 ડોલરની સપાટી તોડીને 3,899 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. આ સાથે જ છેલ્લા 15 મહિનાથી સોના-ચાંદીમાં ચાલી આવતી તેજીની કડી પણ તૂટી ગઈ છે.
રેકોર્ડ હાઈ સપાટીથી ભારે ઘટાડો
ચાલુ વર્ષે 28 જાન્યુઆરી 2026ના રોજ સોનું 5,417 ડોલર પ્રતિ ઔંસની ઐતિહાસિક સપાટી પર હતું, જે હવે 24 ટકા જેટલું ગબડી ચૂક્યું છે. આવી જ રીતે ચાંદી પણ તેના ઓલ-ટાઇમ હાઈ સ્તર 117 ડોલર પ્રતિ ઔંસથી આશરે 47 ટકા જેટલી તૂટીને 24 જૂનના રોજ 57 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગઈ છે. જૂન ક્વાર્ટરમાં સોનામાં 12 ટકા અને ચાંદીમાં 17.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
કિંમતો ઘટવા પાછળના મુખ્ય કારણો
કોમોડિટી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વૈશ્વિક સ્તરે સોના-ચાંદીના ભાવ ઘટવા પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર છે. જેમાં અન્ય કરન્સી સામે અમેરિકી ડોલરનું મજબૂત થવું, યુએસ બોન્ડ યીલ્ડ પર મળતું ઊંચું વ્યાજ અને અમેરિકામાં હાલમાં વ્યાજદરમાં કોઈ ઘટાડો ન થવાના સંકેતો સામેલ છે. આ પરિબળોને લીધે રોકાણકારો સોનામાંથી નાણાં પાછા ખેંચી રહ્યા છે.
ભારતીય બજારમાં લેટેસ્ટ ભાવની સ્થિતિ
ભારતીય બજારની વાત કરીએ તો મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 25 જૂને સોનાનો ભાવ મામૂલી ઘટાડા સાથે 1,41,228 રૂપિયા જોવા મળ્યો હતો. બીજી તરફ, ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 25 જૂને સ્થાનિક બજારમાં મોટો ઘટાડો આવ્યો છે, જેમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત આશરે 2,100 રૂપિયા ઘટીને 1,40,000 રૂપિયાના સ્તરે આવી ગઈ છે.









