For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દહેગામમાં શાળામાંથી રિક્ષાચાલકે બે બાળકોનું અપહરણ કરી લેતાં ચકચાર

Updated: Nov 21st, 2022

Article Content Image

રિક્ષા ધીમી પડતાં બાળકો કૂદી પડયા અને જીવ બચાવ્યો આચાર્યના ઉદ્ધતાઇભર્યા વર્તનથી વાલીઓમાં આક્રોશ

દહેગામ :  દહેગામમાં ધોળા દિવસે સ્કૂલના કેમ્પસમાંથી એક રીક્ષા ચાલક ધોરણ-૬માં ભણતા બે છોકરાને ઉઠાવી જતાં ચકચાર મચી જવા પામી હતી. રિશેષના સમય દરમિયાન બે છોકરા સ્કૂલ કેમ્પસમાં હતા તે દરમિયાન એક રિક્ષાચાલક ધસી આવ્યો હતો અને બંને બાળકોના મોંઢા દબાવીને રિક્ષામાં નાખીને રફુચક્કર થઈ ગયો હતો. સવારે સાડા દસ વાગ્યાના બનેલા બનાવને લઈ વાલીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અન વાલીઓ સ્કૂલમાં ધસી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. જો કે, સ્કૂલ સંચાલકોએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેર્યા હતા અને આચાર્યે તો ઉદ્ધતાઈથી જવાબ આપ્યો હતો કે, અમારે શું લેવા કે દેવા. દહેગામની ઘટનાને લઈ વાલીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે.

   દહેગામમાં આવેલી લીટલ એન્જલ સ્કૂલમાં ધોરણ-૬માં અભ્યાસ કરતા રુદ્ર રાકેશભાઈ રાઠોડ (રહે.પંચફળી) અને વિલય કમલેશભાઈ જયસ્વાલ (રહે.આરાધના સોસાયટી) નિત્યક્રમ મુજબ આજે સ્કૂલમાં ગયા હતા. દરમિયાન સાડા દસ વાગ્યા સુમારે રીશેષ હોવાથી બંને સ્કૂલ કેમ્પસમાં હતા તે દરમિયાન એક રિક્ષાચાલક ધસી આવ્યો હતો. બાળકો કંઈ સમજે વિચારે એ પહેલાં રિક્ષાચાલકે બાળકોના મોંઢા દબાવી દીધા હતા અને રીક્ષામાં બેસાડી દીધા હતા અને બાદમાં રિક્ષા ભગાડી મૂકી હતી. સ્કૂલમાંથી બંને બાળકો ગૂમ થયા હોવા છતાં પણ તેનો અણસાર સ્કૂલ સંચાલકોને આવ્યો નહોતો. ક્લાસમાં પણ કોઈ શિક્ષકે બે બાળકો કેમ દેખાતા નથી તેની નોંધ સુધા પણ લીધી નહોતી. રિક્ષાચાલકે બંને બાળકોને લઈ અમદાવાદ તરફ રવાના થઈ ગયો હતો અને નરોડા વટાવ્યા બાદ કૃષ્ણનગર તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક રીક્ષા ધીમી પડતાં બંને બાળકો કૂદી પડયા હતા અને જીવ બચાવવા ભાગ્યા હતા. દરમિયાન રાહદારી પાસેથી મોબાઈલ લઈને પોતાના વાલીને ફોન કરતાં વાલીઓ કૃષ્ણનગર દોડી ગયા હતા અને બાળકોને સલામત દહેગામ લઈને આવ્યા હતા. ધોળા દિવસે સ્કૂલ કેમ્પસમાંથી બે બાળકોને રિક્ષા ચાલક આબાદ ઊઠાવી જાય ત્યારે સ્કૂલમાં સુરક્ષાના નામે કેવી લાલિયાવાડીઓ ચાલે છે તેનો પર્દાફાશ થાય છે. સવારે સાડા દસ વાગ્યાના બે બાળકો ગુમ થયા અને છેક બપોરે ૧.૩૦ કલાકે પાછા આવ્યા ત્યાં સુધીના સમયગાળામાં સ્કૂલના શિક્ષકોએ પણ બાળકો ક્યાં ગયા અને કેમ ક્લાસમાં દેખાતા નથી તેની દરકાર કરી નહોતી.

Gujarat