શેરથામાં જમીનમાં દાટી દિધેલો વિદેશી દારૃનો જથ્થો પકડાયો
ગ્રામ્ય વિસ્તારમાં બુટલેગરો સક્રિય થઈ ગયા
એલસીબી દ્વારા બાતમીના આધારે દરોડો પાડી ૩૭૭ બોટલો કબ્જે કરાઇ : બુટલેગર પલાયન
ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે એલસીબીની ટીમ દ્વારા શેરથામાં જમીનની અંદર પીપમાં સંતાડવામાં આવેલો વિદેશી દારૃનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જોકે બુટલેગર હાથમાં આવ્યો ન હતો પરંતુ પોલીસે ૭૬ હજારનો મુદ્દામાલ કબજે કરીને આ બુટલેગરની શોધખોળ શરૃ કરી હતી.
રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં દારૃનું વેચાણ બંધ
થતું નથી. નાના મોટા બુટલેગરો દ્વારા પર પ્રાંતમાંથી વિદેશી દારૃનો જથ્થો મંગાવીને
તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા આવા બુટલેગરો
સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ
પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શેરથા ગામના મોટો વાસમાં રહેતો
બુટલેગર પ્રતાપ ગાંડાજી ઠાકોર તેના રહેણાંક મકાનની પાસે આવેલા કાચા છાપરામાં
જમીનની નીચે પીપમાં વિદેશી દારૃ સંતાડીને તેનું વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના
પગલે પોલીસ ટીમ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો. જો કે બુટલેગર ભાગી જવામાં
સફળ રહ્યો હતો પરંતુ છાપરામાં જઈને તપાસ કરતા ખાડા ખોદીને જોતા પીપમાં વિદેશી
દારૃની ૩૭૭ બોટલો મળી આવી હતી. જેથી ૭૬ હજાર રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને ફરાર
થઈ ગયેલા બુટલેગર વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવીને તેની શોધખોળ શરૃ
કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં નાના મોટા બુટલેગરોનો વધી રહેલો વેપલો પોલીસ
માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે.