વડોદરા: રીટાયર્ડ ઓફિસરને જોબ અપાવવાના બહાને ઓનલાઇન 9 લાખ પડાવી લીધા
વડોદરા,તા.30 જુન 2021,બુધવાર
વડોદરામાં ઓનલાઇન ઠગાઇ કરતી ટોળકી દ્વારા નવી નવી તરકીબો અજમાવીને રૂપિયા ટ્રાન્સફર કરી લેવાના ઉપરાછાપરી બનાવો બની રહ્યા છે. ગઈકાલે ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને 1.90 લાખની ઠગાઈના બનાવ બાદ એક રિટાયર ઓફિસરને નોકરી આપવાના બહાને નવ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો બનાવ નોંધાયો છે.
હરની વારસિયા રિંગ રોડની પાછળ કમળાબા સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાંથી નિવૃત્ત થયેલા ઓફિસર બાલકૃષ્ણ પ્રજાપતિએ પોલીસને જણાવ્યું હતું કે, તા 7 જાન્યુઆરીએ મારા ઉપર એક ફોન આવ્યો હતો અને નોકરીની ઓફર કરવામાં આવી હતી.
ફોન કરનાર મનીષ નામના શખ્સે રૂ 25 મોકલવાથી એક લિંક મોકલવાની વાત કરી હતી અને આ લિંકમાં વિગતો ભરવાનું કહેવાયું હતું. મનીષ એ લીંક મોકલી હતી પરંતુ આ લીંક ખુલતી ન હતી. થોડીવાર બાદ તેણે ફોન પર જ નામ, સરનામું, ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ વગેરેની ડિટેલ મેળવી હતી. ત્યારબાદ તેણે રૂ.25 ટ્રાન્સફર થતા નથી તેમ કહી ઓટીપી નંબર માંગ્યો હતો.
ભેજાબાજે મારી પાસે એની ડેસ્ક નામની એપ ડાઉનલોડ કરાવી હતી અને બેથી ત્રણ વાર ઓટીપી નંબર લીધો હતો. ત્યારબાદ બીજા દિવસે મારા એકાઉન્ટમાંથી રૂ.9 લાખ ઉપડી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી. સાયબર સેલે આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.