વડોદરા જિલ્લામાં બળવો કરનાર મધુ અને મામાના 51 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છતાં સસ્પેન્ડ
વડોદરાઃ વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર પાદરાના દીનુમામાના ૪૮ અને વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવના ૩ સમર્થકોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે.જેમાં તેમની પુત્રી નિલમબેનનો પણ સમાવેશ થાય છે.
વડોદરા જિલ્લા ભાજપમાં બળવો કરનારા ત્રણ પૂર્વ ધારાસભ્યોમાંથી કરજણના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાએ પક્ષ સાથે સમાધાન કરી લીધું હતું.પરંતુ,પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનુમામા અને વાઘોડિયામાં છ ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પક્ષ સાથે સમાધાન નહિં કરી અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી.
દીનુમામા અને મધુભાઇએ પક્ષમાંથી રાજીનામા આપી દીધા હોવા છતાં તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.સાવલી સીટ પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા કુલદીપસિંહ રાઉલજીએ કોંગ્રેસનો ખેસ પહેર્યો હોવાથી તેમને સસ્પેન્ડ કર્યા હતા.
હવે ભાજપે ફરી એક વાર બળવાખોર ઉમેદવારોને સમર્થન આપનારા ૫૧ ટેકેદારોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.નોંધપાત્ર વાત એ છે કે,આ તમામ હોદ્દેદારોએ પણ અગાઉથી જ ભાજપને રામરામ કરી દીધા હતા.પરંતુ તેમના રાજીનામા સ્વીકારવાને બદલે તેઓને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે.