ખોટું પ્રમાણપત્ર રજૂ કરીને હેડ કલાર્કનું પ્રમોશન મેળવનાર એસઆરપી જવાનને પાંચ વર્ષની કેદ
આરોપીએ યોગ્ય કર્મચારીઓના અધિકારનું હનન કર્યુ છે : કોર્ટ
વડોદરાતા,31,જાન્યુઆરી,2020,શુક્રવાર
લાલબાગ એસઆરપી ગૃપમાં સિનિયર કલાર્ક તરીકે નોકરી કરતા કર્મચારીએ પ્રમોશન મેળવવા માટે કોમ્પ્યુટરની સી.સી.સી. પરીક્ષાનું બનાવટી સર્ટિફિકેટ મૂક્યું હતું. જે કેસ ચાલી જતા મેજિસ્ટ્રેટે આરોપીને પાંચ વર્ષની સખત કેદ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, આજવારોડ હરિકૃષ્ણ ટાઉનશીપમાં રહેતા વસંતકુમાર જેસીંગભાઇ સમાજપતિ એસઆરપી ગૃપ-૧ લાલબાગ વડોદરા ખાતે સિનિયર કલાર્ક તરીકેનું પ્રમોશન મેળવવા માટે સી.સી.સી. પરીક્ષા પાસ કરી હોવાનું પોલિટેકનિક ફોર ગર્લ્સ અમદાવાદનું નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. જે સર્ટિફિકેટ આરોપી કૃતલ હર્ષદભાઇ શાહ (રહે. રોશની ફલેટ પાલડી અમદાવાદ) મારફતે બનાવડાવ્યું હતું.
આ બનાવટી સર્ટિફિકેટના આધારે વસંતકુમારે (ઉ.વ.૫૩) હેડકલાર્કનું પ્રમોશન પણ મેળવી લીધું હતું. જે અંગે નવાપુરા પોલીસે બંન્નેની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એન. નવીને આરોપી વસંતકુમાર સમાજપતિને કસુરવાર ઠેરવીને પાંચ વર્ષની સખત કેદ તથા ૧૧ હજાર રૃપિયાનો દંડ કર્યો છે. મેજિસ્ટ્રેટે નોંધ્યુ હતું કે આરોપી પોલીસ ખાતા જેવા શિસ્તપાલન ધરાવતા ખાતાના કર્મચારી છે. તેઓએ ખોટુ અને બનાવટી સીસીસી પ્રમાણપત્ર બનાવી પોતાના ડિપાર્ટમેન્ટમાં રજૂ કરી બઢતી મેળવી છે.
આરોપીએ માત્ર ઉપરી અધિકારીઓને જ નહી પરંતુ અન્ય યોગ્ય કર્મચારીઓના અધિકારોનું હનન કર્યું છે.