પીપળાવ-ચાંગા રોડ પરની ખરીમાંથી 5.95 લાખની તમાકુની ચોરી
તમાકુની 850 ગુણો ઉઠાવી ગયા
ચોરી બાદ નવું તાળું મારી દીધું, ત્રણ દિવસ બાદ ચોરીની ખબર પડી
આણંદ: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં પીપળાવ-ચાંગા રોડ ઉપર આવેલ એક તમાકુની ખરીમાં ત્રાટકેલ તસ્કરો તમાકુની ૮૫૦ જેટલી ગુણોની અંદાજિત કિંમત રૂા.૫.૯૫ લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
મૂળ પેટલાદ તાલુકાના સુણાવના વતની અને હાલ બાકરોલ-વડતાલ રોડ ઉપર આવેલ તુલસી આંગનમાં રહેતા વિકાસકુમાર મહેન્દ્રભાઈ પટેલની પીપળાવ-ચાંગા રોડ ઉપર ચિરાગદીપ નામની તમાકુની ખરી તેમજ કાસોર ચોકડીએ પણ તમાકુની ખરી આવેલ છે.
તેઓની ચિરાગદીપ નામની ખરીમાં કલકત્તી તમાકુની ૧૦ હજાર જેટલી ગુણોનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જો કે ગત તા.૧લી માર્ચના રોજ વિકાસકુમારે ડ્રાઈવર તેમજ મજુરોને ખરીમાં તમાકુ ભરવા માટે મોકલ્યા હતા. જ્યાં ડ્રાઈવર તેમજ મજુરો ખરીએ પહોંચતા ખરીમાં મારેલ તાળુ ખુલતુ ન હતું. જેથી તાળુ તોડીને અંદર જઈ તપાસ કરતા અંદાજિત રૂા.૫.૯૫ લાખની કુલ ૮૫૦ જેટલી તમાકુની ગુણો ઓછી હોવાનું માલુમ પડયું હતું.
આ બનાવ અંગે ડ્રાઈવરે વિકાસભાઈને જાણ કરતા તેઓ તુરંત જ ખરી ખાતે દોડી આવ્યા હતા અને નજીકમાં આવેલ ઈંટોના ભઠ્ઠાએ કામ કરતા મજુરોને પુછતાં ત્રણેક દિવસ પૂર્વે સવાર તેમજ બપોરના સુમારે કેટલાક શખ્શો ટેમ્પો લઈને આવ્યા હોવાનું તેમજ તમાકુ ભરીને લઈ ગયા હોવાનું માલુમ પડયું હતું. જાણવાજેવી બાબત એ છે કે, તમાકુની ગુણોની ચોરી કર્યા બાદ તસ્કરો ખરીને નવુ તાળુ મારી ત્યાંથી ચાલ્યા ગયા હતા. જેને લઈ મહેળાવ પોલીસે કોઈ જાણભેદુનો જ આ ચોરીમાં હાથ હોવાની પ્રાથમિક શક્યતાને લઈ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.