NEETમાં ગુજરાતમાંથી 39,669 વિદ્યાર્થી પાસ : 60 ટકાથી વધુ રિઝલ્ટ
મેડિકલ પ્રવેશ માટે આ વર્ષે
ગત વર્ષે 36,398 વિદ્યાર્થી પાસ થતા 56.18 ટકા રિઝલ્ટ હતું : આ વર્ષે 3200 વધુ પાસ થતા ધસારો
અમદાવાદ : ધો.12 સાયન્સ પછીના મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટેની નીટમાં આ વર્ષે ગુજરાતમાંથી 39669 વિદ્યાર્થી પાસ થયા છે.60 ટકાથી વધુ પરિણામ ગુજરાતના વિદ્યાર્થીઓનું નીટમાં આ વર્ષે રહ્યુ છે.ગત વર્ષ કરતા 3200 વિદ્યાર્થી વધુ પાસ થતા મેડિકલ પ્રવેશમાં ભારે ધસારો રહેશે અને કટ ઓફ પણ સરકારી કોલેજોમાં ઉંચુ જવાની શક્યતા છે.
નીટનું પરિણામ એનટીએ દ્વારા જાહેર કરાયા બાદ એનટી દ્વારા દરેક રાજયની પ્રવેશ સમિતિને પોતાના વિદ્યાર્થીઓનો મેરિટ રેન્ક સાથેનો ડેટા પણ મોકલી દેવાયો છે.ગુજરાતમાંથી 70 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને જેમાંથી 66 હજારથી વધુ વિદ્યાર્થીને નીટ આપી હતી.જેમાંથી 39669 વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે. જનરલ -ઈડબલ્યુએસ કેટેગરીમાં 7303 વિદ્યાર્થીઓ છે અને સૌથી ઓછો સ્કોર 138 તથા સૌથી વધુ સ્કોર 715 છે.
જનરલ કેટેગરીમાં 9521 પાસ થયા છે અને સૌથી ઓછો સ્કોર 138 તથા સૌથી વધુ 705 સ્કોર છે. ઓબીસીમાં 15706 વિદ્યાર્થી પાસ થયા છે અને જેમાં હાઈએસ્ટ સ્કોર 705 અને લોએસ્ટ સ્કોર 108 છે. એસસી કેટેગરીમાં 4043 વિદ્યાર્થીઓ છે અને જેમાં લોએસ્ટ સ્કોર 108 તથા હાઈએસ્ટ સ્કોર 676 છે.જ્યારે એસટી કેટેગરીમાં 3096 વિદ્યાર્થી પાસ થયા છે અને હાઈએસ્ટ સ્કોર 651 અને લોએસ્ટ સ્કોર 108 છે.
ત્રણ વર્ષના પરિણામની વાત કરીએ તો 2019માં 75889 વિદ્યાર્થીઓમાંથી 35177 વિદ્યાર્થી પાસ થતા 46.35 ટકા પરિણામ રહ્યુ હતુ.જ્યારે 2020માં 64791 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી અને જેમાંથી 36398 વિદ્યાર્થી પાસ થતા 56.18 ટકા પરિણામ રહ્યુ હતુ.
આ વર્ષે 66 હજારથી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે અને જેમાંથી 39669 વિદ્યાર્થી પાસ થતા 60.10 ટકા પરિણામ રહયુ છે.આ વર્ષે 3271 વિદ્યાર્થી વધુ પાસ થતા મેડિકલ ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથીમાં પ્રવેશ માટે ભારે ધસારો રહેશે તેમજ મેડિકલમાં કટ ઓફ ઊંચુ જશે ખાસ કરીને સરકારી કોેલેજો માટે મોટો તફાવત આવી શકે છે.