ગુજરાતમાં કોરોનાનો આતંક: છેલ્લા 24 કલાકમાં 366 નવા કેસ સામે આવ્યા, 35ના મોત
ગાંધીનગર, તા. 18 મે 2020, સોમવાર
ગુજરાતમાં કોરોના કેસોમાં સતત વધારો નોંધાય રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 366 નવા કેસ નોંધાયા છે અને 35 લોકોના મોત થયાં છે. રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતોનો આંક 11,746 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 305 લોકોને ડિસ્ચાર્જ થયાં છે. તેમજ કુલ 4804 દર્દીઓ ડિસ્ચાર્જ થયાં છે.
આજે નોંધાયેલા કુલ કેસોમાંથી અમદાવાદમાં 263 કેસ નોંધાયા છે. સુરતમાં 33, વડોદરામાં 22 અને ગાંધીનગરમાં 12 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ મૃત્યુંઆંક 694 થયો છે.
હાલ રાજ્યમાં કોરોનાના 38 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 148,824 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 11,746 પોઝિટિવ આવ્યા છે તો 137,078 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રાજ્ય સરકારે લોકડાઉન 4.0માં આ છૂટછાટ આપી
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 4.0 જાહેર કર્યા બાદ રાજ્ય સરકારે આજે રાજ્યામાં છૂટછાટ અંગેના નિયમો જાહેર કર્યાં છે. જેમાં રાજ્યને કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. જેમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ બાબતની પરવાનગી નહીં મળે. અમદાવાદ પશ્ચિમમાં વેપાર ધંધા ખોલવાની છૂટ છે. સવારે 8-4 દરમિયાન દુકાનો ઓડ-ઇવન નંબર પ્રમાણે ખૂલશે.