અમદાવાદના પ્રવેશના નાકાઓ અને ST સ્ટેન્ડ પરથી 24 કોરોનાગ્રસ્ત મળ્યા
- હેલ્થના જુદા જુદા ઝોનની ટીમોએ 2,973 લોકોને તપાસ્યા
- સુરત, વડોદરા, ભરૂચના લોકોને પરત મોકલી દેવાયા જ્યારે અન્ય કેટલાંકને સમરસ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરાયા
અમદાવાદ, તા. 19 જુલાઇ, 2020, રવિવાર
અમદાવાદમાં પ્રવેશના નાકાઓ અને એસટીના સ્ટેન્ડો પર હાથ ધરાયેલી આરોગ્યની ચકાસણી દરમ્યાન આજે વધુ 24 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જણાયું હતું. કુલ 2973ના રેપિડ-એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સંક્રમણને વધુ ફેલાતું રોકવા આ પ્રકારની કવાયત મ્યુનિ.ના હેલ્થ ખાતા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગતો એવી છે કે એક્સપ્રેસ-વે ખાતે પૂર્વઝોનની હેલ્થની ટીમે હાથ ધરેલી ચકાસણી દરમ્યાન સૌથી વધુ 1900ને તપાસ્યા હતા, જેમાંથી 17ના રિપોર્ટ કોરોના પોઝિટિવ હોવાનું જણાતા તેમને પરત મોકલી અપાયા હતા.
આમાંથી મોટાભાગના સુરત, વડોદરા, ભરૂચ તરફના લોકો હતા. એકાદ નાગરિક સાબરકાંઠાનો પણ હોવાનું જણાયું હતું. જ્યારે નેશનલ હાઇવે પર દક્ષિણ ઝોનના હેલ્થખાતાવાળા કામે લાગ્યા હતા, ત્યાં 240ને તપાસતા 3ને કોરોના હોવાનું જણાયું હતું. તેઓ સુરત-વડોદરાના હતા, તેમને પણ પરત મોકલાયા છે.
જ્યારે પશ્ચિમ ઝોનના હેલ્થ કર્મચારીઓએ રાણીપ બસસ્ટેન્ડ ખાતે આવેલાં 267 પેસેન્જરના ટેસ્ટ કરતાં 3ને કોરોના હોવાનું જણાયું હતું. 1ને સમરસ હોસ્ટેલમાં અને બેને હોમ આઇસોલેશનમાં રખાયા છે. મધ્ય ઝોનના હેલ્થખાતા દ્વારા ગીતામંદિર સ્ટેન્ડ પર તપાસ હાથ ધરાઇ હતી, તે દરમ્યાન 210માંથી 4 લોકો કોરોનાગ્રસ્ત હોવાનું જણાતા તેમને સમરસ હોસ્ટેલના કેર સેન્ટરમાં ખસેડાયા છે.
જ્યારે ઉત્તરઝોનવાળાએ કૃષ્ણનગર એસ.ટી. સ્ટેન્ડે 82ને તપાસતા એક પણ પોઝિટિવ હોવાનું જણાયું ના હતું. જ્યારે નાના ચિલોડા ખાતે 274ને તપાસતા તેમાંથી 1નો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સમરસમાં દાખલ કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રારંભિક તબક્કામાં માત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જ તપાસ હાથ ધરાઇ હતી. તે દરમ્યાન ડોમેસ્ટીક એરપોર્ટ, રેલ્વે, ખાનગી વાહનો, એસટી દ્વારા ઘણાં બહારના લોકો વિના રોકટોક આવી ગયા હતા. જેના કારણે અમદાવાદ બહુ ઝડપથી કોરોનાની ઝપેટમાં આવી ગયું હતું. તે સમયની હેલ્થ ખાતાની ભૂલે આખાય શહેરને કોરોના તરફ ધકેલી દીધું હતું, જેની અસર હજુય ગઇ નથી.