કલોલની 22 વસાહતો કન્ટેઇનમેન્ટ ઝોનમાં
- કન્ટેઇનમેન્ટ ઝોનમાં નિયંત્રણો લાગુ પડશે અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં છુટછાટો અપાશે
પોઝિટિવ કેસો ધરાવતી સોસાયટીઓ અને આસપાસના વિસ્તારોને પણ આવરી લેવાયા
કલોલ, તા. 21 મે 2020, ગુરુવાર
કલોલમાં કોરોના પોઝીટીવ દર્દીઓ વધી જતા કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જેના લીધે લોકડાઉનનો કડક અમલ કરવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં સરકારે છુટછાટ આપી છે. ત્યારે કલોલ નગરપાલિકા વિસ્તારમાં કડક અમલ ચાલુ હોવાથી નાના વેપારીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. ત્યારે આ બાબતે ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ રજૂઆત કરી હતી કે પોઝીટીવ દર્દીઓ સિવાયના વિસ્તારોને નોન કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે.
ત્યારે તંત્રએ કલોલની રર વસાહતો જેવી કે માનવ મંદિર સોસાયટી, પ્લોટ વિસ્તાર, હિંમતલાલ પાર્ક, ઇન્દ્રપ્રસ્થ ફફેટ, મહેન્દ્રમીલની ચાલી, શ્રીફળ સોસાયટી, ઊંડોવાસ, સુચારવાસ, ગોરીવાસ, ધોબીવાસ, મહેતાજીની ચાલી, ટેકરાવાસ, શિવાનંદ એવન્યુ, સ્નેહ સોસાયટી, શિવાશીષ સોસાયટી, રાજધાની સોસાયટી, સત્યમ સ્ટેટસ, ગણેશકુંજ, આકાશદીપ, નિર્ણયનગર, હરીદર્શન ફલેટ અને શ્રીજી એપાર્ટમેન્ટનો કન્ટેઇનમેન્ટ ઝોનમાં સમાવેશ કર્યો છે. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે કન્ટેઇનમેન્ટ ઝોનમાં નિયંત્રણોે લાગુ પડશે અને જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે. તેમજ નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં સરકારની ગાઇડ લાઇન મુજબ છુટછાટો આપવામાં આવશે. નોન કન્ટેનમેન્ટ ઝોનમાં છુટછાટો આપવામાં આવી હોવાથી નાના વેપારીઓમાં ખુશીનો માહોલ છે.