ફાઈન આર્ટસ ફેરની બે દિવસમાં ૨૦૦૦૦ લોકોએ મુલાકાત લીધી
વડોદરા,તા.21.જાન્યુઆરી,મંગળવાર,2020
એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં આઠ વર્ષના સમયગાળા બાદ તાજેતરમાં યોજાયેલુ ફેર ફેકલ્ટીને ફળ્યુ છે.આ ફેર જોવા માટે લોકોએ ધસારો કર્યો હતો.
૧૧ અને ૧૨ જાન્યુઆરીએ યોજાયેલા આ ફેરની બે દિવસ દરમિયાન ૨૦૦૦૦ લોકોએ મુલાકાત લીધી હતી.આમ ટિકિટ વેચાણમાંથી જ ફેકલ્ટીને ચાર લાખ રુપિયાની આવક થઈ છે.મળતી વિગતો પ્રમાણે બીજા ચાર લાખ રુપિયાની કલાકૃતિ લોકોએ રોકડ રકમ આપીને ખરીદી હતી.આમ આઠ લાખ રુપિયાની આવક ફેકલ્ટીને રોકડમાં થઈ છે.
સૂત્રોનુ કહેવુ છે કે, આ ઉપરાંત બીજી સંખ્યાબંધ કલાકૃતિઓ માટે ચેકથી પેમેન્ટ કરાયુ છે.આ ચેક જે-તે ડિપાર્ટમેન્ટ પાસે ગયા છે.જેનો તાળો મેળવવાનો બાકી છે પણ ચેકથી થયેલા પેમેન્ટની રકમ પણ ૧૦ લાખની આસપાસ હોઈ શકે છે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે.આમ બે દિવસના પ્રદર્શનમાંથી ફેકલ્ટીને ૨૦ લાખ રુપિયા કરતા વધારે આવક થવાની સંભાવના છે.આ રકમનો ઉપયોગ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માટે સુવિધા ઉભી કરવામાં થશે.
ઉલ્લેખનીય છે કે, આઠ વર્ષ પછી યોજાયેલા ફાઈન આર્ટસ ફેરમાં ૩૦૦ કરતા વધારે વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની કલાકૃતિઓ બનાવીને રજૂ કરી હતી.ફેરમાં લોકો કલાકૃતિઓ ખરીદી શકે તે માટે ૬૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.