ટ્રમ્પના કાર્યક્રમ માટે વડોદરાથી ૧૫ હજાર લોકોને મોટેરા લઇ જવાશે
જિલ્લા વહિવટીતંત્રને ૩૦૦ બસોની વ્યવસ્થા કરવાનો ટાર્ગેટ અપાયો ઃ એસડીએમ, મામલતદારોને જવાબદારી સોંપાઇ
વડોદરા, તા.12 ફેબ્રુઆરી, બુધવાર
અમેરીકાના રાષ્ટ્રપતિની અમદાવાદ મુલાકાત માટે મોટી સંખ્યામાં લોકો ભેગા કરવાની જવાબદારી રાજ્ય સરકારે અનેક જિલ્લાઓને સોંપી છે. વડોદરા જિલ્લામાંથી પણ ૧૫ હજાર લોકોને ભેગા કરવા માટેનો ટાર્ગેટ અપાયો છે આ માટે ૩૦૦ બસોની વ્યવસ્થા કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ સુનિશ્ચિત થતા હવે રાજ્ય સરકાર તેમને આવકારવા માટેની જોરદાર તૈયારીઓમાં જોતરાઇ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પની સામે મોટી સંખ્યામાં લોકોની હાજરી દર્શાવવા માટે અમદાવાદ, આણંદ, ગાંધીનગર, ખેડા, મહેસાણા, વડોદરા સહિત આઠ જિલ્લાના વહિવટીતંત્રને ભીડ એકઠી કરવા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આજે સાંજે વીડિયો કોન્ફરન્સ રાખવામાં આવી હતી જેમાં જિલ્લા કલેક્ટર ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓએ હાજરી આપી હતી.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં સવાથી દોઢ લાખ લોકોને ભેગા કરવાનો સરકારે ટાર્ગેટ રાખ્યો છે. આ પૈકી ૧૫ હજાર લોકોને વડોદરાથી મોટેરા સ્ટેડિયમ ખાતે લઇ જવાની જવાબદારી વડોદરા જિલ્લાના વહિવટીતંત્રને સોંપવામાં આવી છે. આજની બેઠક બાદ જિલ્લા કલેક્ટર દ્વારા ૧૫ હજારના ટાર્ગેટને પૂર્ણ કરવા માટે એસડીએમ, મામલતદારોને લાયઝનિંગની કામગીરી સોંપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રમ્પના મોટેરા સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં ૩૦૦ જેટલી બસો દ્વારા લોકોને લઇ જવામાં આવશે.