અમદાવાદમાં કોરોનાના વધુ 147 કેસ નોંધાયા, ચારનાં કરૂણ મૃત્યુ
- રેપિડ ટેસ્ટ વધ્યા છતાં આંકડા કેમ ઘટયા તે સવાલ
- અત્યાર સુધીના કુલ કેસની સંખ્યા 24456, જ્યારે મૃત્યુઆંક 1542નો થયો : એકટિવ કેસોની સંખ્યા ઘટી 2845ની થઇ
અમદાવાદ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર
અમદાવાદમાં કોરનાનો ભરડો યથાવત રહેવા પામ્યો છે. આજે એક જ દિવસમાં વધુ 147 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓએ જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ થઇને કેમ હોમ-આઇસોલેશનમાં રહીને સારવાર લેવાનું ચાલુ કર્યું છે, જ્યારે સરકારની યાદી અનુસાર ચાર દર્દીઓએ સારવાર દરમ્યાન તેમના જીવ ખોયા છે.
બીજી તરફ સાજા થયેલાં 146 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જોકે ઘટેલા આંકડાએ લોકોને રાહત પહોંચાડી છે. દરમ્યાનમાં મ્યુનિ.ના વિસ્તારમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 24456ની થઇ ગઇ છે, તેમજ મૃત્યુઆંક 1542ના આંકડાને આંબી ગયો છે.
ઉપરાંત કોરોનાને માત આપીને સાજા થયેલાં લોકોની સંખ્યા 20266ની થાય છે. બીજી તરફ એકટિવ કેસોની સંખ્યા ઘટીને 2845ની થઇ ગઇ છે, જેમાંથી 1345 તો માત્ર પશ્ચિમ વિસ્તારોના જ છે. મ્યુનિ. દ્વારા એક તરફ દર્દી અને મૃત્યુ આંકડા ઘટયાનો દાવો કરાઇ રહ્યો છે, જ્યોર બીજી તરફ રોજેરોજ માઇક્રો કન્ટેન્મેન્ટના સ્થળો વધતા જાય છે.
આ વિરોધાભાસ વિચિત્ર પ્રકારનો છે. ઉપરાંત હાલ ઠેરઠેર રેપિડ-એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહેલ છે. મોટીસંખ્યામાં ટેસ્ટ થતાં હોય ત્યારે સ્વાભાવિક છે કે કેસોની સંખ્યામાં મોટો વધારો પણ થતો હોય છે. પરંતુ હાલ તેમ થઇ રહ્યું નથી, ઉપરાંત રેપિડ ટેસ્ટના આંકડા અને પોઝિટિવ આવેલા લોકોના આંકડા રહસ્યમય રીતે તમામ મોરચે નિષ્ફળ ગયેલાં હેલ્થખાતા દ્વારા છૂપાવવામાં આવી રહ્યાં છે. એટલે એક શંકા એવી પણ ઊભી થવા પામી છે કે આ કેસો કુલ સંખ્યામાં બતાવાતા નહીં હોય.
મ્યુનિ.ના સત્તાવાળાઓ દાવો કરી રહ્યા છે કે અમદાવાદ મોડલના દેશભરમાં વખાણ થઇ રહ્યાં છે. આ બાબત ખૂબ જ ગૌરવ લેવા જેવી છે. પણ સાથે સવાલ એ પણ ઊભો થાય છે કે જો સ્થિતિ નિયંત્રણમાં છે જ તો પછી વોર્ડવાઇઝ આંકડા જાહેર કેમ કરાતા નથી. કોઇ પણ બાબત પારદર્શક ના કરાય ત્યારે તેની સામે હંમશા લોકો શંકા કરતાં જ હોય છે, જે આજે અમદાવાદમાં થઇ રહ્યું છે.
કયા વોર્ડમાં કેટલા એકટિવ કેસ ?
મધ્ય ઝોન |
269 |
ઉત્તર ઝોન |
397 |
દક્ષિણપશ્ચિમ ઝોન |
433 |
પશ્ચિમ ઝોન |
461 |
ઉત્તરપશ્ચિમ ઝોન |
447 |
પૂર્વઝોન |
424 |
દક્ષિણ ઝોન |
414 |
કુલ |
2845 |