અમદાવાદના વધુ 140 લોકો કોરોનાની ઝપટમાં, ચારના મૃત્યુ
- ઘટેલા કેસોથી લોકોને રાહત, ફરી વધે નહીં તે જોવું પડશે
- અત્યાર સુધીના કુલ દર્દીનો આંકડો 24880નો થયો અને મૃત્યુ 1556 નોંધાયા : પ્રારંભિક તબક્કા કરતાં મૃત્યુદર ઘટયો
અમદાવાદ, તા. 31 જુલાઇ, 2020, શુક્રવાર
અમદાવાદમાં કોરોનાના કેસોમાં અને મૃત્યુમાં થયેલા ઘટાડાથી લોકોએ રાહતનો દમ લીધો છે. જો કે કોરોના એક એવો રોગચાળો છે, જેમાં વારંવાર સંખ્યામાં ચડઉતર થતી હોય છે. દરમ્યાનમાં છેલ્લા 24 કલાકમાં વધુ 140 લોકો કોરોનામાં પટકાયા છે, જ્યારે ચાર દર્દીઓના સારવાર દરમ્યાન મૃત્યુ થયા છે. બીજી તરફ સાજા થયેલાં 100 લોકોને જુદી જુદી હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે.
આ સાથે મ્યુનિ.ની હદમાં અત્યાર સુધીમાં કુલ કેસ 24880 નોંધાયા છે, જ્યારે કોરોનાના કારણે થયેલા મૃત્યુનો આંકડો 1556નો થઇ ગયો છે. બીજી તરફ કોરોનાને હરાવીને સાજા થયેલાં લોકોની સંખ્યા બહુ મોટી 20718ની થવા જાય છે. પ્રારંભિક તબક્કામાં મૃત્યુ દર 7 ટકા જેવો ઉંચો હતો, તેમાં પણ સરકારી યાદી પ્રમાણે સારો એવો ઘટાડો નોંધાયો છે. રેપિડ-એન્જિન ટેસ્ટમાં વધારો કરાયો છે.
દરમ્યાનમાં રાજ્યના અન્ય શહેરો અને ગ્રામ વિસ્તારમાં કોરોનાના દર્દીઓમાં મોટા પ્રમાણમાં વધારો નોંધાયો છે. ત્યાં પુરતાં પ્રમાણમાં મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચર નહીં હોવાથી સારવાર માટે અમદાવાદમાં ધસારો વધ્યો છે.
એ માટે ખાનગી હોસ્પિટલો પણ હસ્તગત કરવાની ફરજ પડી છે. હાલ અમદાવાદમાં કેસો ઘટયા છે, જે ફરી ક્યારેય પણ વધી શકે છે. હાલ એકટિવ કેસો 2910 છે, જેમાંથી પશ્ચિમના વિસ્તારોના 1423 છે, જ્યારે 1487 પૂર્વના વિસ્તારોના છે. પૂર્વ ઝોન અને ઉત્તર ઝોનમાં કેસો વધ્યા હોવાનું જાણવા મળે છે. માઇક્રો કન્ટેન્મેન્ટની સંખ્યા વધીને 246ની થઈ ગઈ છે.
કયા ઝોનમાં કેટલા એકટિવ કેસ
મધ્ય ઝોન |
283 |
ઉત્તર ઝોન |
384 |
દક્ષિણ પશ્ચિમ ઝોન |
435 |
પશ્ચિમ ઝોન |
499 |
ઉત્તર પશ્ચિમ ઝોન |
489 |
પૂર્વ ઝોન |
399 |
દક્ષિણ ઝોન |
421 |
કુલ |
2910 |