છ વર્ષ અગાઉ આશરે ૩ કિલો ચરસ સાથે પકડાયેલા રીક્ષા ડ્રાઇવરને ૧૧ વર્ષની સખત કેદ
એક લાખનો દંડ પણ કર્યો :અન્ય આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યો

 વડોદરા,તા,29,જાન્યુઆરી,2020,બુધવાર
એન.સી.બી.એ છ વર્ષ પૂર્વે ચરસ સાથે બે આરોપને ઝડપી લીધા હતાં. ચરસ લેવા માટે કુરિયરની ઓફિસે ગયેલા રીક્ષાચાલકને કસુરવાર ઠેરવીને અદાલતે ૧૧ વર્ષની સખત કેદ તથા એક લાખનો દંડ કર્યો છે. જ્યારે અન્ય એક આરોપીને શંકાનો લાભ આપીને છોડી દેવામાં આવ્યો છે.
આ અંગેની વિગત એવી છે કે ગત તા.૩૦-૪-૨૦૧૩ ના રોજ અમદાવાદ નાર્કોટિક્સ ઇન્ટેલીજન્સ કચેરીને માહિતી મળી હતી કે, ઇમરાન નામના વ્યક્તિએ ત્રણ કિલો ચરસનું પાર્સલ શ્રીનાથ કાર્ગો વડોદરામાં મોકલ્યું છે. અને તેનો એસ.આર. નંબર ૨૨૫૨ છે. આ પાર્સલ વડોદરાના સૈયદભાઇ કે જે વડોદરામાં ચરસનો ધંધો કરે છે તેમના નજીકના સાથી મિત્ર રીયાઝ તા.૧-૫-૨૦૧૩ ના રોજ શ્રીનાથ કાર્ગોની ઓફિસ (ઠે. નિત્યાનંદ કોમ્પલેક્ષ તરસાલી) માંથી પાર્સલ લેવા આવનાર છે. ઉપરી અધિકારીને જાણ કર્યા પછી નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટે પંચો સાથે શ્રીનાથ કાર્ગોની ઓફિસમાં વોચ ગોઠવી હતી. સવાચાર વાગ્યે એક વ્યક્તિ ઓટોરીક્ષા લઇને શ્રીનાથ કાર્ગોની ઓફિસમાં ગયો હતો. અને ઉપરોક્ત સમીરભાઇના નામનું પાર્સલ માંગ્યું હતું જેથી ઓફિસમાંથી તેને ઉપરોક્ત પાર્સલ આપવામાં આવ્યું હતું . તે દરમિયાન નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફે ઉપરોક્ત પાર્સલ પંચોની હાજરીમાં ખોલ્યું હતું. 
જેમાં એક બેગ પર મોહસીન લખ્યું હતું. બેગ ખોલીને જોતા કાળા ભૂરા રંગના લાડુ આકારનો પદાર્થ મળી આવ્યો હતો. તેનું ટેસ્ટીંગ કરાવતા તે ચરસ હોવાનું જણાઇ આવ્યું હતું. નારકોટિક્સ ડિપાર્ટમેન્ટે ૩.૧૨૦ કિલોગ્રામ ચરસનો જથ્થો જપ્ત કરી પાર્સલ લેવા આવનાર દિવાન રીયાઝ સલીમશા (રહે. જહુરસાનો ટેકરો ગૌરવ સોસાયટી પાછળ પાણીગેટ) ની ધરપકડ કરી હતી. આ પાર્સલ લેવા રીયાઝને મોકલનાર મોહંમદસાબ બડેસાબ સૈયદ (રહે. બહાર કોલોની આજવા રોડ) ની પણ ધરપકડ કરવામાં આવી હતી. મોહંમદસાબે નારકોટિક્સની ટીમને જણાવ્યું હતું કે, રીયાઝશાને પાર્સલ લેવા મોકલ્યો હતો તે બદલ પાંચહજાર રૃપિયા આપવાનું નક્કી થયું હતું. ઇમરાનને છેલ્લા સાત આઠ વર્ષથી પોતે ઓળખે છે. અગાઉ પણ ઇમરાન પાસેથી ચરસ લીધું હતું. અને ત્રણ વર્ષથી ચરસનો ધંધો કરે છે.
એન.સી.બી.એ કરેલો આ કેસ સ્પેશ્યલ કોર્ટના જજ એસ.ડી. સુથાર સમક્ષ ચાલી ગયો હતો. સરકારી વકીલ કે.એમ.જોશી તથા બચાવપક્ષની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લઇ અદાલતે આરોપી દિનાવ રિયાઝને કસુરવાર ઠેરવીને ૧૧ વર્ષની સખત કેદ તથા એકલાખ રૃપિયાનો દંડ કર્યો છે. જ્યારે અન્ય આરોપીને શંકાનો લાભ આપીને છોડી મૂકવામાં આવ્યો છે.


