108 પર અભૂતપૂર્વ ભારણ, એપ્રિલમાં ૨૫૩૫ કોરોના દર્દીઓને હોસ્પિટલ ખસેડયા

વડોદરાઃ બેકાબૂ બનેલા કોરોના સંક્રમણના કારણે હવે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પર પણ અભૂતપૂર્વ ભારણ આવી ગયુ છે.વડોદાર શહેરમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ૨૪ કલાક ચાલી રહી છે અને તમામ ૩૬ જેટલી એમ્બ્યુલન્સને કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં ખસેડવાના કોલ એટેન્ડ કરવા માટે મુકી દેવામાં આવી રહી છે.આમ છતા એમ્બ્યુલન્સો પહોંચી વળે નહીં તે હદે ૧૦૮ પર દર્દીઓના સ્વજનોના કોલ આવી રહ્યા છે.
મળતા આંકડા પ્રમાણે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલમાં લઈ જવાતા કોરોનાના દર્દીઓની સંખ્યામાં ત્રણ જ મહિનામાં ૧૫ ગણો વધારો થયો છે.જાન્યુઆરી મહિનામાં જ્યારે કોરોનાનુ સંક્રમણ લગભગ કાબૂમાં હતુ ત્યારે આ એક મહિનામાં ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ૧૫૮ દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા.ફેબુ્રઆરી મહિનામાં ખાલી ૧૫૮ દર્દીઓને હોસ્પિટલ લઈ જવાયા હતા પણ માર્ચ મહિનાથી કોરોનાની બીજી લહેરે હાહાકાર સર્જવા માંડયો હતો.જેના પગલે માર્ચ મહિનામાં કુલ ૧૨૫ દર્દીઓને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા હોસ્પિટલ લઈ જવાયા હતા. હવે એપ્રિલ મહિનામાં બેકાબૂ બનેલી કોરોનાની બીજી લહેર વચ્ચે ૨૦ જ દિવસમાં ૨૫૭૩ દર્દીઓને હોસ્પિટલ સુધી લઈ જવાયા છે.
બીજી રીતે કહીએ તો જાન્યુઆરી મહિનામાં જેટલા દર્દીઓને શિફટ કરાયા હતા તેટલા દર્દીઓને એપ્રિલ મહિનામાં રોજે-રોજ હોસ્પિટલ શિફટ કરવામાં આવી રહ્યા છે.

