ઉત્તરાયણ પર્વે કરૃણા અભિયાન હેઠળ પતંગોની દુકાનોમાં શરૃ કરાયેલું ચેકિંગ
૧૦૨ દુકાનોમાં ચેકિંગ કર્યું, પણ ચાઈનીઝ દોરી, સિન્થેટિક દોરી અને તુક્કલ મળ્યા જ નહી
વડોદરા, તા. 9 જાન્યુઆરી 2020, ગુરૃવાર
ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને કરૃણા અભિયાન કાર્યક્રમ અંતગર્ત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પતંગ દોરીની ૧૦૨ દુકાનમાં ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી, સિન્થેટિક માંજો અને નાયલોનની દોરીનું ચેકિંગ હાથ ધર્યું હતુ.
વહીવટી વોર્ડ નં.૧માં ગેંડીગેટ રોડ પરની ૫૦ દુકાનો, વોર્ડ નં-૨માં માણેકપાર્ક થી સંગમ, ફતેપુરા રોડ પરની ૨૨ દુકાનો તેમજ વહીવટી વોર્ડ નં.૯માં આજવા રોડની ૩૦ દુકાનોમાં ચેકિંગ કર્યું હતુ. ચેકિંગ દરમ્યાન પોલીસ કર્મચારીઓ સાથે હતા, પરંતુ ક્યાંયથી ચાઈનીઝ તુક્કલ, નાયલોન દોરી વગેરે મળ્યા ન હતા. સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તા.૧૦ થી ૨૦ સુધી કરૃણા અભિયાન શરૃ કર્યું છે. જેમાં પર્યાવરણ સુરક્ષા ધારો, પ્રાણી ક્રૂરતા નિવારણ ધારો, વન્ય જીવન સંરક્ષણ ધારો તથા ભારતીય ફોજદારી ધારાનો અમલ કરવાની સૂચના આપી છે. વડોદરા કોર્પોરેશનની તમામ વોર્ડ ઓફિસો હેઠળ સેનેટરી અને રેવન્યુ વિભાગો તેમજ ગુમાસ્તા ધારા દ્વારા ટીમો બનાવીને શહેરની હદ વિસ્તારમાં પતંગની દુકાનોમાં જઈ ચાઈનીઝ તુક્કલ, ચાઈનીઝ દોરી, માંજો પ્લાસ્ટીક દોરી, નાયલોન દોરી, સિન્થેટિક માંજો, નોન બાયોડિગ્રેડેબલ હોય તેવી દોરીનું વેચાણ અને ઉપયોગ રોકવા પગલાં લેવા સૂચના આપી છે. આ અભિયાન હેઠળ વોર્ડ ના સેનેટરી વિભાગ દ્વારા સઘન સાફ સફાઈ ઝુંબેશનું આયોજન કરવાનું રહેશે. કોર્પોરેશનના ચારેય ઝોનમાં આ સંદર્ભે નિયુક્ત અધિકારીઓને રિપોર્ટ પણ કરવાની આસિ.મ્યુનિ. કમિશનરને સૂચના આપી છે.