mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

વડોદરા જેલની ગૌશાળામાં ૧૦૦ ગીર ગાયો : રોજનું ૨૦૦ લીટર દૂધ આપે છે

દંતેશ્વર ઓપન જેલમાં જ ગાયો માટે ચારાની વ્યવસ્થા કરાઇ છે : કેદીઓ માટે જ દૂધ વપરાય છે

Updated: Mar 18th, 2023

વડોદરા જેલની ગૌશાળામાં ૧૦૦ ગીર ગાયો : રોજનું ૨૦૦ લીટર દૂધ આપે છે 1 - image

 વડોદરા,વડોદરાની દંતેશ્વર ઓપન જેલમાં છેલ્લા બે વર્ષથી શરૃ થયેલી ગૌ શાળામાં હાલમાં ૧૦૦ ગીર ગાય છે.જે રોજનું ૨૦૦ લીટર દૂધ આપી રહી છે.જેલ દ્વારા ચલાવવામાં આવતી ગૌ શાળાના કારણે કેદીઓને પણ રોજીરોટી મળી રહી છે.આ દૂધ જેલના કેદીઓ માટે જ ઉપયોગમાં લેવાય છે.ટૂંક સમયમાં દૂધ વિતરણ કેન્દ્ર સામાન્ય નાગરિકો માટે પણ શરૃ કરવાનું આયોજન છે.

જેલમાં બંધ કેદીઓ માટે સુધારણા કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.કેદીઓ માટે જેલમાં જ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.બે વર્ષ પહેલા જેલ વિભાગ દ્વારા વડોદરા જેલ વિભાગ હસ્તકની દંતેશ્વર વિસ્તારમાં આવેલી બાવન વીઘા જમીનમાં ગૌ શાળા શરૃ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.તા.૦૨-૦૨-૨૦૨૧ ના રોજ દંતેશ્વર ઓપન જેલ ખાતે ત્રણ વીંઘા જમીનમાં ગૌશાળા શરૃ થઇ હતી.તે સમયે ગૌશાળામાં ૭૫ ગીર ગાયો હતી.હાલમાં ૧૦૦ ગાય છે.તે દરેક ગાયના નામ પાડવામાં આવ્યા છે.અને ગાયોને તેમના નામથી જ બોલાવવામાં આવે છે.

૧૦૦ ગીર ગાય થકી રોજ સવારે અને સાંજે મળીને ૧૦૦ લીટર દૂધ મળે છે. આ દૂધનો ઉપયોગ જેલના બંદીવાનો માટે કરવામાં આવે છે.તે ઉપરાંત જેલ સ્ટાફના પરિવારજનોને પણ દૂધ અપાય છે.સામાન્ય રીતે ગીર ગાયના દૂધનો ભાવ બજારમાં ૭૦ થી ૧૬૦ રૃપિયા છે.પરંતુ,જેલની ગૌશાળાની ગીર ગાયનું દૂધ માત્ર ૫૪  રૃપિયાના ભાવે અપાય છે.હાલમાં આ દૂધનું વેચાણ  માત્ર જેલ પૂરતુ સિમીત છે.પરંતુ,ટૂંક સમયમાં આ દૂધ વેચાણ માટેનું પબ્લિક કાઉન્ટર પણ શરૃ કરવાની વિચારણા છે.ગૌશાળાના સંચાલન માટે પાકા કામના સાત કેદીઓને રાખવામાં આવ્યા છે.તેઓ જ ગાયોને ચરવા લઇ જવાથી માંડીને દૂધ દોહવા સહિતની કામગીરી કરે છે.અને  આ કામ માટે તેઓને વેતન પણ આપવામાં આવે છે.



ઓપન જેલ ખાતે જ ચારો ઉગાડી ગાયોને ખવડાવાય છે

 વડોદરા,ગાયોના ચારા માટે જેલ વિભાગને બહાર જવાની જરૃર જ નથી.કારણકે આટલી મોટી જગ્યામાં જ ઘાસનું વાવેતર કરવામાં આવે છે.તે ઘાસ ગાયોના ચારા તરીકે ઉપયોગમાં લેવાય છે.જેલની ગૌશાળાની સૌથી મહત્વની વાત એ છે કે,આ ગાયો અન્ય ગાયોની જેમ બહાર ફેંકેલો એઠવાડ કે હાનિકારક વસ્તુઓ ખાતી નથી.જેથી,તેના દૂધની ક્વોલિટી પણ સારી  હોવાનું ગૌશાળના ઇન્ચાર્જ જેલર બહાદુરસિહ ઝાલા એ જણાવ્યું છે.વધુમાં ગાયોને ચરાવવા માટે જેલમાં જ વિશાળ જગ્યા ઉપ્લબ્ધ છે.


શરૃઆતમાં અન્ય જેલની ગૌશાળામાંથી ગાયો લવાઇ હતી

વડોદરા,વડોદરામાં ગૌશાળા શરૃ કરાઇ ત્યારે રાજ્યની અન્ય જેલ કે જ્યાં પાણી અને ઘાસચારાની તંગી હતી.ત્યાંથી  ગાયો અહીંયા લાવવામાં આવી હતી.ગાયોના સ્વાસ્થ્ય માટે દર અઠવાડિયે વેટરનરી ડોક્ટર દ્વારા ગૌશાળાની વિઝિટ કરવામાં આવે છે.અહીંયા રહેતી ગાયોને કોઇ ગંભીર બીમારી હજીસુધી થઇ નથી.


 જેલ દ્વારા સંચાલિત પેટ્રોલપંપનો વાર્ષિક નફો ૨૯ લાખ

વડોદરા, તેલંગાણા પછી વડોદરાની જ એક જેલ એવી છે.જ્યાં કેદીઓ દ્વારા પેટ્રોલપંપનું સંચાલન કરવામાં આવે છે.જેમાં કેદીઓ જ વાહન ચાલકોને પેટ્રોલ પૂરી આપે છે.પેટ્રોલપંપ થકી ગત વર્ષે કુલ રૃપિયા ૨૯ લાખનો નફો થયો હતો.આ તમામ નફો કેદી વેલફેર ફંડમાં જમા કરાવવામાં આવે છે.અને આ તમામ રૃપિયા કેદીઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરાય છે. 



જેલ દ્વારા સંચાલિત પેટ્રોલપંપનો વાર્ષિક નફો ૨૯ લાખ 

વડોદરા,તેલંગાણા પછી વડોદરાની જ એક જેલ એવી છે.જ્યાં કેદીઓ દ્વારા  પેટ્રોલપંપનું સંચાલન કરવામાં આવે છે.જેમાં કેદીઓ જ વાહન ચાલકોને પેટ્રોલ પૂરી આપે છે.પેટ્રોલપંપ થકી ગત વર્ષે કુલ રૃપિયા ૨૯ લાખનો નફો થયો હતો.આ તમામ નફો કેદી વેલફેર ફંડમાં જમા કરાવવામાં આવે છે.અને આ તમામ રૃપિયા કેદીઓ માટેની વિવિધ પ્રવૃત્તિઓ પાછળ ખર્ચ કરાય છે.

કેદીઓ દ્વારા ખેતીકામ પણ કરવામાં આવે છે 

 વડોદરા,ઓપન જેલ ખાતે ગૌશાળા ઉપરાંત ખેતીકામ પણ કરવામાં આવે છે.હાલમાં ૩૫ કેદીઓ જેલમાં ખેતીકામ કરે છે.અને સિઝન પ્રમાણે પાક લે છે.જેલમાં ડાંગર,ઘઉં,ચણા,જુવાર,મકાઇ તથા શાકભાજીની ખેતી કરવામાં આવે છે.એપ્રિલ - ૨૦૨૨ થી અત્યારસુધી જેલમાં ખેતીકામ થકી કુલ ૧૨.૨૭ લાખનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.જેમાં કુલ ૨૬૯ કેદીઓને વેતન મળ્યું છે.આ અનાજ જેલના કેદીઓના ભોજન માટે જ વપરાય છે.

Gujarat