જો તમે પણ ઉનાળામાં ACનો ઉપયોગ કરતાં હોવ તો વાંચી લેજો આ સમાચાર, નહીંતર થઇ શકે છે બ્લાસ્ટ
AC Blast: આકરા ઉનાળામાં એટલી વધતી ગરમી વધી ગઈ છે કે એર કંડિશનર (AC) હવે ઘરો અને ઓફિસો માટે જરૂરી બની ગયા છે. પરંતુ તાજેતરના સમયમાં, AC બ્લાસ્ટની ઘટનાઓએ લોકોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે. સામાન્ય રીતે આ અકસ્માતો વધુ પડતી ગરમી, ખામીયુક્ત વાયરિંગ અથવા મેઈન્ટેનન્સના અભાવના કારણે થાય છે. આવી સ્થિતિમાં, તમારે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે, જેથી તમારું એસી સુરક્ષિત રહે.
એસી બ્લાસ્ટ કેમ થાય છે?
કમ્પ્રેસર વધુ ગરમ થવું: લાંબા સમય સુધી સતત એસી ચલાવવાથી કમ્પ્રેસર વધુ ગરમ થાય છે, જેનાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે.
ખામીયુક્ત વાયરિંગ: ખામીયુક્ત વાયરિંગ, છૂટા કનેક્શન અથવા શોર્ટ સર્કિટને કારણે તણખા લાગી શકે છે જે આગ અને બ્લાસ્ટનું કારણ બની શકે છે.
ગેસ લીકેજ: જો જૂના અથવા ક્ષતિગ્રસ્ત પાઈપોમાંથી ગેસ લીકેજ થાય છે, તો તેનાં કારણે પણ આગ લાગી શકે છે અને બ્લાસ્ટ થઈ શકે છે.
નબળું મેન્ટેનન્સ: ગંદા ફિલ્ટર્સ અને ભરાયેલા વેન્ટિલેશન સિસ્ટમ્સ એસી પર વધારાનું દબાણ લાવે છે, જેનાથી તે બ્લાસ્ટ થવાનું જોખમ વધે છે.
વોલ્ટેજમાં વધઘટ: પાવરમાં અચાનક વધારો થવાથી એસીના આંતરિક ભાગોને નુકસાન થઈ શકે છે અને વધુ ગરમ થવાને કારણે વિસ્ફોટ થઈ શકે છે.
AC બ્લાસ્ટથી બચવા માટે અપનાવો આ ટિપ્સ
ઉનાળાની ઋતુમાં એર કંડિશનરનો ઉપયોગ ઘણો વધી જાય છે, પરંતુ જો કાળજી ન લેવામાં આવે તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એવામાં એસી બ્લાસ્ટની ઘટનાઓ ટાળવા માટે આ ટિપ્સ અપનાવો.
નિયમિત સર્વિસ કરાવો: વર્ષમાં ઓછામાં ઓછા બે વાર તમારા એસીની સર્વિસ કરાવો. આનાથી, ગેસ લીક, વાયરિંગ ફોલ્ટ અને ફિલ્ટરમાં જમા થયેલી ગંદકી સમયસર જાણી શકાય છે.
ઓવરલોડ ટાળો: સતત કલાકો સુધી એસી ચલાવવું જોખમી બની શકે છે. તેને ક્યારેક ક્યારેક બંધ કરો અને ઠંડુ થવા દો જેથી કમ્પ્રેસર વધુ ગરમ ન થાય.
વોલ્ટેજ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરો: પાવરમાં વધઘટ એસી કમ્પ્રેસરને નુકસાન પહોંચાડી શકે છે. આને ટાળવા માટે, વોલ્ટેજ સ્ટેબિલાઇઝર ઇન્સ્ટોલ કરો.
આ પણ વાંચો: બાળકના જન્મ પછી આ રીતે આપો પત્નીને સાથ, સંબંધમાં વધશે પ્રેમ અને મીઠાશ
એસી યુનિટની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખો: આઉટડોર યુનિટની આસપાસ યોગ્ય એર સક્યુલેશન હોવું જોઈએ. ત્યાં ધૂળ કે સૂકા પાંદડા એકઠા થવા ન દો.
ગેસ લીક થાય છે કે નહીં તે તપાસવું પણ જરૂરી: જો એસીમાંથી વિચિત્ર ગંધ આવી રહી હોય અથવા યોગ્ય રીતે ઠંડુ ન થઈ રહ્યું હોય, તો તેને તાત્કાલિક બંધ કરો અને ટેકનિશિયનને બોલાવો.
યોગ્ય વાયરિંગ અને પ્લગ પોઈન્ટનો ઉપયોગ કરો: સસ્તા એક્સ્ટેંશન કોર્ડ ટાળો. એસી માટે હંમેશા અલગ પાવર સોકેટ અને યોગ્ય વાયરિંગનો ઉપયોગ કરો.