ફોલો કરો Plant Based Diet અને 30 જ દિવસમાં ઘટાડો 5kg વજન
અમદાવાદ, 24 ફેબ્રુઆરી 2019, રવિવાર
વધતું વજન કોઈપણ વ્યક્તિ માટે ચિંતાનો વિષય હોય છે. આધુનિક જીવનશૈલીના કારણે પણ લોકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે. સ્થૂળતા એવી સમસ્યા છે કે જેના કારણે શરીરમાં અન્ય બીમારીઓ પણ ઘર કરી જાય છે. વધારે વજનથી ત્રસ્ત લોકો કોઈપણ ભોગે વજન ઘટાડવા તૈયાર હોય છે પરંતુ યોગ્ય જાણકારીના અભાવના કારણે તેમને વજન ઘટાડવામાં સફળતા મળતી નથી. પરંતુ દિવસ દરમિયાનની ડાયટમાં માત્ર એક ફેરફાર કરવાથી વજન ઘટાડવાનું અશક્ય કામ શક્ય બની શકે છે. આ અશક્ય કામ પ્લાંટ બેસ્ડ ડાયટ ફોલો કરવાથી શક્ય બની શકે છે. પ્લાંટ બેઝ્ડ ડાયટ એટલે કે દિવસ દરમિયાન સલાડ અને લીલા શાકભાજીનું જ સેવન. જો કે નિષ્ણાંતો આ ડાયટમાં ફળ, દાળ અને ઘઉંનો સમાવેશ પણ કરવાની સલાહ આપે છે.
વજન ઘટાડવા માટે રાતોરાત ડાયટમાં ફેરફાર કરી ન શકાય. જો 30 દિવસમાં 5 કીલો વજન ઘટાડવું હોય તો તેની શરૂઆત ધીરેધીરે કરવી જોઈએ. સૌથી પહેલા ડાયટમાં નાના ફેરફાર કરવા. જો કે આ ડાયટ ફોલો કરવાની શરૂઆત કરો એટલે તેને 30 દિવસ સુધી અને પછી લાંબા સમય સુધી યથાવત રાખવાનો પણ પ્રયત્ન કરવો. આ ડાયટ શરૂ કર્યાના થોડા દિવસો બાદ શરીર તે સ્વીકારે છે તેથી વજનમાં ઘટાડો પણ તુરંત નહીં નોંધાય તેના માટે 2 સપ્તાહ સુધી ધીરજ રાખવી. જો તમે તમારી ડાયટમાં એક સાથે ઘણા ફેરફાર કરી દેશો તો રોગપ્રતિકારક શક્તિ પર અસર થઈ શકે છે.
આ ડાયટ ફોલો કરો તો ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે તમે કાર્બ્સ, પ્રોટીન અને ફેટ્સનું સેવન દિવસ દરમિયાન કરો. ફેટ્સ પણ ડાયટનો એક મહત્વનો ભાગ હોય છે. દિવસ દરમિયાન એક બેલેન્સડ ડાયટ લેવી જોઈએ અને આ ડાયટ તૈયાર કરવા માટે ન્યૂટ્રીશનિસ્ટની મદદ લેવી જોઈએ.
સલાડ સાથે પ્રોટીન, કાર્બ્સનો સમાવેશ પણ ડાયટમાં કરવો. આ પ્રકારનો ખોરાક પેટ 4 કલાક સુધી ભરેલું રાખે છે. એટલા માટે જ ડાયટ પ્લાન એવો તૈયાર કરવો કે જેમાં ફેટ, કાર્બ્સ અને પ્રોટીનનો સમાવેશ થતો હોય. આ ડાયટમાં શક્કરટેટી, ટોફુનો સમાવેશ કરી શકો છો.
આ ડાયટને ફોલો કરવા ઈચ્છતા લોકો સલાડને ડ્રેસીંગ સાથે સર્વ કરી અને તેને સ્વાદિષ્ટ બનાવી શકે છે. સલાડના ડ્રેસિંગ માટે તાહીની પેસ્ટ, ક્રીમ અને આદુની પેસ્ટ, ચોખા અને બીન્સમાંથી તૈયાર કરેલો સોસ વગેરે વસ્તુઓથી સલાડને સ્વાદિષ્ટ બનાવી શકાય છે.