International Day of Happiness : જાણો, કેમ હેપ્પીનેસ ડે મનાવવામાં આવે છે?
નવી દિલ્હી, તા. 20 માર્ચ 2021, શનિવાર
વિશ્વમાં દરેક બાબતે એક દિવસ રાખવામાં આવ્યો છે. ખુશી સેલિબ્રેટ કરવા માટે પણ એક 'ઇન્ટરનેશનલ ડે ઑફ હેપ્પીનેસ' અથવા આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ રાખવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર 20 માર્ચે દર વર્ષે ઈન્ટરનેશનલ ડે ઑફ હેપ્પીનેસ મનાવે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્રે તેને મનાવવાનું શરૂ કર્યુ હતું. જાણો, આ દિવસ કેમ મનાવવામાં આવે છે.
કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ હેપ્પીનેસ ડે?
સંયુક્ત રાષ્ટ્રે 20 માર્ચે આ દિવસ વિશ્વભરના લોકોમાં ખુશીના મહત્ત્વ પ્રત્યે જાગરૂકતા વધારવા માટે મનાવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 12 જુલાઇ 2012ના દિવસે આ દિવસ મનાવવાનો સંકલ્પ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્ર માટે આ દિવસને મનાવવા પાછળ જાણિતા સમાજ સેવક જેમી ઇલિયનના પ્રયાસોનું પરિણામ હતું. તેમના વિચારોએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ જનરલ બાન મૂનને પ્રેરિત કર્યા અને તેથી 20 માર્ચ 2013ને ઈન્ટરનેશનલ ડે ઑફ હેપ્પીનેસ જાહેર કરવામાં આવ્યો.
સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યોમાં 'ખુશી'નું સ્થાન
સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2015માં 17 ટકાઉ વિકાસ લક્ષ્યો જાહેર કર્યા હતા જે ગરીબી ખતમ કરવા, અસમાનતાને ઘટાડવા અને આપણા ગ્રહની રક્ષા કરવા માટે નિર્ધારિત કરવામાં આવે છે. આ ત્રણ પ્રમુખ પાસા સારા જીવન અને ખુશી માટે ખૂબ જ જરૂરી માનવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રનો પ્રયાસ છે કે આ દિવસને મનાવતા વિશ્વના નીતિ નિર્ધારકો અને નિર્માતાઓનું ધ્યાન ખુશી જેવા અંતિમ લક્ષ્ય પર જાળવી રાખે.
ખુશીને કેટલું મહત્ત્વ?
સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે વિશ્વમાં જાળવણી યોગ્ય વિકાસ, ગરીબી નાબૂદી, અને ખુશી માટે આર્થિક વિકાસમાં સમાનતા, સમાવેશતા અને સંતુલનનું દ્રષ્ટિકોણ સામેલ કરવાની જરૂર છે. ખુશીને મહત્ત્વ આપવાની ઔપચારિક પહેલ ભૂટાન જેવા નાનકડા દેશે કરી હતી વર્ષ 1970ના દાયકાથી પોતાના રાષ્ટ્રીય આવકથી વધારે રાષ્ટ્રીય ખુશીના મૂલ્યને વધારે મહત્ત્વ આપી રહ્યો છે. અહીં ત્યારથી જ રાષ્ટ્રીય કુલ ઉત્પાદનની જગ્યાએ રાષ્ટ્રીય કુલ આનંદને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.
શું છે વર્ષ 2021ની થીમ?
સંયુક્ત રાષ્ટ્રના દરેક દિવસ માટે દર વર્ષે એક નવી થીમ જાહેર કરવામાં આવી છે જેના આધારે જ આ દિવસ મનાવવામાં આવે છે એટલે કે તે જ થીમ પર ફૉક્સ કરીને તે દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે કોવિડ-19ની અસર યથાવત છે. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષની થીમ છે. શાંત રહો, બુદ્ધિમાન રહો અને દયાળુ રહો.
આ થીમ કેમ રાખવામાં આવી છે?
આ થીમ રાખવા પાછળનો હેતુ કોવિડ મહામારી વચ્ચે પેદા થયેલી નિરાશા વચ્ચે ખુશી શોધવા માટે પોતાની જાતને પ્રેરણા આપવાનો છે. શાંત રહેવાનું જ્યારે આપણે લક્ષ્ય બનાવીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને યાદ અપાવીએ છીએ કે બધુ જ આપણા નિયંત્રણમાં નથી. ત્યારબાદ બુદ્ધિમત્તાપૂર્ણ નિર્ણય કરવો તે બધા માટે મદદરૂપ સાબિત થાય છે અને આપણને સકારાત્મક બનાવી રાખશે. આ સાથે જ એકબીજા પ્રત્યે દયા ભાવ જાળવી રાખવામાં મદદ મળશે. કોરોના કાળમાં તેની આપણને સૌથી વધારે જરૂર છે.
વિશ્વના વિકાસવાદી આર્થિક લક્ષ્યોની પાછળ દોડતી સરકાર હોય અથવા તો પોતાની પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરતાં લોકો હોય. આ ભાગદોડમાં ખુશીઓ જાણે કે આપણાથી રૂઠી રહી છે. આંતરરાષ્ટ્રીય ખુશી દિવસને મનાવવાનું સાર્થક થઇ શકે છે જ્યારે આપણે આપણા લક્ષ્યોની એકવાર સમીક્ષા કરો, તો ધ્યાન રાખો ક્યાંક ખુશી તમારાથી છૂટી તો નથી રહી ને..?