કાજળ ફેલાઈને લુક બગાડે છે, અજમાવો આ ટ્રિક
દરેક સમયમાં કાજળ બ્યુટી પ્રોડક્ટમાં અગ્રીમ સ્થાને રહ્યું છે. પ્રાચીન હોય કે આજની નારી તેને લગાવીને સ્ટાઈલ સ્ટેટમેન્ટ બનવાનું પસંદ કરે છે. જો કે સમસ્યા ત્યારે થાય છે જ્યારે કાજળ લગાવ્યાના થોડી જ વાર પછી તે ફેલાવા લાગે છે પરિણામે ચહેરો કદરૂપો લાગે છે. તમારી સાથે આવું ના થાય તે માટે અમે તમને કેટલીક ટિપ્સ આપીશું જેનાથી તમારું કાજળ ફેલાશે નહીં.
ટોનર લગાવો
સૌપ્રથમ ચહેરાને ટોનરથી સાફ કરો જેથી ત્વચા પરનું તેલ નીકળી જશે. એ પછી કાજળ લગાવતા પહેલા આંખની નીચે થોડો પાવડર લગાવો જેથી તૈલી ત્વચાપર કાજળ જલદી ફેલાઇ ના જાય. આંખની નીચેની સ્કીનને સાફ રાખવા માટે તમે પાઉડર સ્પંજ પણ વાપરી શકો છો.
જો તમારી સ્કીન ઓઈલી હશે તો આંખની આસપાસ તેલ ઝડપથી પાછું આવશે અને કાજળ ફેલાઇ જશે. આવામાં તમારે પાંપણને થોડીથોડીવારે રૂથી સાફ કરવી જોઈએ. આ ઉપરાંત એવું કાજળ પસંદ કરો જે સમ્જ ફ્રી અને વોટર પ્રૂફ હોય. ઉનાળામાં તો આ કાજળ જ સૌથી સારા રહે છે. આ કાજળ લાંબો સમય ટકે છે.