મોનસૂનમાં આ પ્રકારે કાળજી રાખશો તો સ્કિન પ્રોબ્લેમ્સથી બચી શકાશે
- ભેજવાળા વાતારવરણમાં ત્વચાની જાળવવણી રાખવી જરૂરી છે
નવી દિલ્હી, તા. 05 જુલાઇ 2020, રવિવાર
ચોમાસાની ઋતુ આમ તો મોટાભાગ બધાને મનગમતી ઋતુ જ હોય છે પરંતુ તેની સાથે જ સ્વાસ્થ્ય અને સ્કીન સંબંધિત સમસ્યાઓ પણ હેરાનગતિ માટે પધરામણી કરી જાય છે. ત્વચા તેમજ વાળ સંબંધિત કેટલીય તકલીફોનો લોકોએ સમાનો કરવો પડતો હોય છે. તમારી ત્વચા પર મોનસૂનની સીધી અસર પડતી હોય છે. તેથી આ ઋતુમાં માત્ર સ્વાસ્થ્યનું જ નહીં પરંતુ ત્વચા અને વાળનું પણ વિશેષ ધ્યાન રાખવાની જરૂર હોય છે. તો જાણો, આ વરસાદી સીઝનમાં તમે ત્વચાની દેખરેખ કેવી રીતે કરશો?
વરસાદી વાતાવરણમાં પોતાની સ્કિનને એક્સફોલિયેટ કરવી જરૂરી છે. જેથી ચહેરાની ગંદકી દૂર થઇ જાય. કહેવાય છે કે તેના માટે મધ અને ખાંડ મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલ સ્ક્રબ સૌથી ઉત્તમ ઉપચાર છે. ખાંડ તમારા શરીરની ડેડ સ્કિનને હટાવી દે છે અને આ સાથે જ તમારા રોમ છિદ્રોને ખોલવામાં મદદ કરે છે.
ધ્યાન રાખો કે જો તમારી સ્કિન સેન્સેટિવ છે તો એક્સફૉલિયેટ કરવું અથવા સ્ક્રબ કરવું મુશ્કેલી ભર્યુ સાબિત થઇ શકે છે. એટલા માટે પોતાની સ્કિનની સેન્સેટિવિટી અનુસાર જ ઉપચાર કરો. જો આ મોસમમાં વરસાદમાં ન્હાવાથી તમારી સ્કિન પર રેશેઝ એટલે કે લાલ ડાઘ અથવા તો દાણા નીકળી આવ્યા હોય તો એક્સફોલિયેટ ક્યારેય ન કરશો.
આ સાથે જ કોઇ પ્રકારની સ્કિન એલર્જી અથવા ખંજવાળ આવે છે તો સ્કિન સંબંધિત ડોક્ટરની સલાહ લો. આ ઉપરાંત તમે એન્ટી-ફંગલ પાઉડરનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રાથમિક કાળજી લેવા માટે વરસાદમાં પલળ્યા બાદ ખુદને સમગ્રપણે સુકવી દો. ભીના કપડાંમાં ન રહેશો. એન્ટીસેપ્ટિક ક્રીમ જેવી કે બોરોલિન અથવા બોરોપ્લસ પણ લગાવી શકો છો. અથવા તો કોઇ યોગ્ય મોઇશ્ચરાઇઝર પણ લગાવી શકો છો.
જો તમારી ત્વચા આ વાતાવરણમાં વધારે ચીકણી એટલે કે ઑઇલી થઇ રહી છે તો મોઇશ્ચરાઇઝર અથવા તો કોઇ ક્રીમનો ઉપયોગ ન કરશો. માનવામાં આવે છે કે જેલ બેઝ્ડ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવું યોગ્ય રહેશે.
જ્યારે પણ વરસાદના વાતાવરણમાં બહાર જાઓ ત્યારે પોતાની સાથે એક છત્રી રાખો. સ્કિનને સુકવવાનો પ્રયાસ કરો. ભીના કપડા ન પહેરો. એક જોડી કપડા સાથે રાખો. જેથી પલળી જાઓ તો બદલી શકાય. ભીના બૂટ પણ ઉતારી દેવા જોઇએ.