Lifestyle & Fashion

વિદેશમાં સેટલ થવા માટે આ છે દુનિયાના બેસ્ટ દેશો! અમેરિકા 20મા ક્રમે, 31 દેશોની યાદીમાં ભારતને સ્થાન નહીં

By GS Team
17 Aug 20263 mins read
TukuTouch Logo
'ઇન્ટરનેશન્સ'ના 'એક્સપેટ ઇનસાઇડર સર્વે 2026' મુજબ, વિદેશમાં શ્રેષ્ઠ જીવનશૈલી માટે પનામા વિશ્વમાં પ્રથમ ક્રમે છે. મેક્સિકો અને થાઇલૅન્ડ અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. આ સર્વેમાં 162 દેશોના 7,786 પ્રવાસીઓએ ભાગ લીધો હતો, જેમાં જીવનની ગુણવત્તા, રોજગાર અને આર્થિક સ્થિતિ જેવા માપદંડો હતા. 31 દેશોની યાદીમાં ભારતને સ્થાન મળ્યું નથી, જ્યારે અમેરિકા 20મા અને નોર્વે છેલ્લા ક્રમે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વિદેશમાં સેટલ થવા માટે આ છે દુનિયાના બેસ્ટ દેશો! અમેરિકા 20મા ક્રમે, 31 દેશોની યાદીમાં ભારતને સ્થાન નહીં

Panama Leads Global Expat Living: વિદેશ જઈને સ્થાયી થવા, ઉત્તમ નોકરી-રોજગાર મેળવવા અને શ્રેષ્ઠ જીવનશૈલી જીવવાની ઈચ્છા રાખતા પ્રવાસીઓ માટે પનામા સમગ્ર વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશ તરીકે ઉભરી આવ્યો છે. વૈશ્વિક સ્તરે પ્રવાસીઓના હિતો માટે કામ કરતી જાણીતી સંસ્થા 'ઈન્ટરનેશન્સ' દ્વારા જાહેર કરવામાં આવેલા વાર્ષિક અહેવાલ 'એક્સપેટ ઈનસાઈડર સર્વે 2026'માં આ રસપ્રદ અને મહત્ત્વપૂર્ણ ખુલાસો થયો છે. પનામા સતત ત્રીજા વર્ષે આ યાદીમાં વિશ્વભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે મેક્સિકો બીજા અને થાઈલેન્ડ ત્રીજા સ્થાને રહ્યું છે.

સર્વેના મુખ્ય માપદંડો અને સહભાગીતા

આ સર્વેક્ષણમાં વિશ્વભરના 162 દેશોમાંથી આવેલા 7,786 પ્રવાસીઓએ ભાગ લીધો હતો, જેના વિશ્લેષણ બાદ કુલ 31 દેશોને અંતિમ રેન્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ રેન્કિંગ નક્કી કરવા માટે જીવનની ગુણવત્તા, નવા દેશમાં સ્થાનિક વાતાવરણમાં ભળી જવાની સરળતા, રોજગારીની તકો, વ્યક્તિગત આર્થિક સ્થિતિ તેમજ રહેઠાણ જેવી વ્યવહારુ સુવિધાઓને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષના પરિણામોમાં સ્થાનિક લોકોનું મૈત્રીપૂર્ણ વલણ અને સસ્તું-કિફાયતી જીવન નિર્ણાયક પરિબળ સાબિત થયા છે.

ભારતનું સ્થાન ક્યાં? અમેરિકા 20મા અને નોર્વે છેલ્લા સ્થાને

આ વર્ષે 31 દેશોની યાદીમાં ભારતને સ્થાન મળ્યું નથી. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતું અમેરિકા આ યાદીમાં 20મા સ્થાને ધકેલાઈ ગયું છે, જ્યારે નોર્વે 31મા સ્થાને રહીને યાદીમાં સૌથી છેલ્લું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષના સર્વેમાં કુલ 45 દેશોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પ્રવાસીઓ માટે વિશ્વના ટોપ-10 દેશો:

  1. પનામા
  2. મેક્સિકો
  3. થાઇલૅન્ડ
  4. સંયુક્ત આરબ અમીરાત
  5. બ્રાઝિલ
  6. સ્પેન
  7. સિંગાપોર
  8. પોર્ટુગલ
  9. મલેશિયા
  10. લક્ઝમબર્ગ

ટોચના દેશોની વિશેષતાઓ કેમ પ્રવાસીઓને આકર્ષે છે?

પનામા (રેન્ક 1): સતત ત્રીજા વર્ષે શીર્ષ પર રહેલા પનામાએ 'વર્કિંગ અબ્રોડ' અને 'પર્સનલ ફાઇનાન્સ' બંને ઇન્ડિકેટર્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. અહીં 87% પ્રવાસીઓ પોતાના જીવનથી અત્યંત ખુશ છે (જ્યારે વૈશ્વિક સરેરાશ 70% છે). 90% લોકોનું માનવું છે કે અહીં રહેઠાણ શોધવું ખૂબ જ સરળ છે. આ ઉપરાંત સરળ બૅંકિંગ પ્રક્રિયા, વેપાર-ધંધાની સુગમતા, ઓછા યુટિલિટી બિલ્સ અને સ્થિર અર્થવ્યવસ્થાને કારણે લોકો શાંત અને તણાવમુક્ત જીવન જીવી રહ્યા છે.

મેક્સિકો (રેન્ક 2): નવા વાતાવરણમાં સરળતાથી ગોઠવાઈ જવાના મામલે મેક્સિકો વિશ્વમાં નંબર-2 છે. અહીં 73% પ્રવાસીઓ માને છે કે સ્થાનિક લોકો સાથે મિત્રતા કરવી ખૂબ સરળ છે. રહેવાનો ખર્ચ અને મેડિકલ સેવાઓ અમેરિકાની સરખામણીએ ઘણી સસ્તી છે. જોકે, સુરક્ષાના સંદર્ભમાં આ દેશ 31માંથી 25મા ક્રમે રહ્યો છે.

થાઇલૅન્ડ (રેન્ક 3): થાઇલૅન્ડ વિશ્વના સૌથી ખુશહાલ પ્રવાસીઓનું ઘર બની ગયું છે, જ્યાં 86% લોકો સંતુષ્ટ છે. જીવનનિર્વાહના ખર્ચમાં થાઇલૅન્ડને સૌથી વધુ સ્કોર મળ્યો છે અને 85% પ્રવાસીઓએ સસ્તા ખર્ચની પ્રશંસા કરી છે. સ્થાનિક ભોજન, આદરપૂર્ણ સંસ્કૃતિ, મોલ્સ, આર્ટ ગેલેરી જેવી આધુનિક સુવિધાઓ અને ઉત્તમ સ્કૂલિંગ પ્રવાસીઓને ખૂબ આકર્ષિત કરે છે.

સંયુક્ત આરબ અમીરાત - UAE (રેન્ક 4): કારકિર્દીનો વિકાસ અને ઈમિગ્રેશનને લગતી કાગળની કામગીરીને સરળ બનાવવામાં UAE સૌથી આગળ રહ્યું છે. ભૌગોલિક તણાવો વચ્ચે પણ UAEનું જીવન સામાન્ય અને સલામત છે. દુબઈ સલામત વાતાવરણ અને બિઝનેસ-કરિયર આપે છે, જ્યારે રાસ અલ ખૈમા જેવા શહેરો પરિવારોને શાંત અને ટ્રાફિકમુક્ત જીવન પ્રદાન કરે છે.

બ્રાઝિલ (રેન્ક 5): બ્રાઝિલે પ્રથમ વખત ટોપ-5માં સ્થાન બનાવ્યું છે. બ્રાઝિલના લોકોની ઉષ્મા અને ખુલ્લા દિલના સ્વભાવના કારણે પ્રવાસીઓ ઝડપથી ત્યાંના સામાજિક જીવનમાં ભળી જાય છે. અહીં અંગ્રેજી ઓછું બોલાય છે, જેથી પ્રવાસીઓને પોર્ટુગીઝ ભાષા શીખવાની અને સ્થાનિક સંસ્કૃતિને ઊંડાણપૂર્વક સમજવાની તક મળે છે.