રાતા હોઠ-ગુલાબી ગાલ ચહેરાને બનાવે 'ઇન્સ્ટંટ' યુવાન
અધર પર રક્ત જેવા રાતા રંગની કે ફ્યૂશા પિંક કલરની લિપસ્ટિક લગાવવાથી તમે માત્ર ગ્લેમરસ જ નથી દેખાતા, પણ તમારી મૂળ વય કરતાં ઘણાં નાના પણ દેખાવ છો. માનુનીઓ મેકઅપ વધુ સુંદર દેખાવા કરે છે. પણ આકર્ષક દેખાવા સાથે યુવાન પણ દેખાવું હોય તો લિપસ્ટિકનો યોગ્ય રંગ પસંદ કરો, તેવી જ રીતે ગાલ પર ગુલાબી બ્લશ ઓન કરો. તાજેતરમાં કરવામા ંઆવેલા એક અભ્યાસમાં જણાયું હતું કે વધતીજતી વય સાથે આપણી આંખ, હોઠ અને આઇબ્રોની આસપાસની ત્વચાનો રંગ ઘેરો બનતો જાય છે. તેથી જ્યારે ઘેરા બ્રાઉન, રેડ કે પિંક કલરની લિપસ્ટિક લગાવવામાં આવે ત્યારે આપણે મૂળ વય કરતાં વધુ નાના દેખાઈએ છીએ. નિષ્ણાતો કહે છે કે ચહેરા પર દેખાતો રંગોનો ભેદ કે વિરોધાભાસ ચહેરાને યુવાન બતાવવામાં મદદ કરે છે. વધતી જતી વય સાથે ડાર્ક બનેલી ચહેરાના ચોક્કસ ભાગોની ત્વચા સાથે જ્યારે તેના કરતાં વધુ ઘેરા રંગની લિપસ્ટિક લગાવવામાં આવે ત્યારે તે આ ત્વચા સાથે વિરોધાભાસ રચે છે, પરિણામે ઘેરા રંગની લિપસ્ટિક લગાવનાર વ્યક્તિ વધુ યુવાન દેખાય છે. આ વાત ગુલાબી ગાલને પણ એટલી જ લાગુ પડે છે.