રૂક્ષ વાળ થઈ જશે રેશમ જેવા જો મસાજ કરશો આ 2 તેલના ખાસ મિશ્રણ
અમદાવાદ, 2 એપ્રિલ 2019, મંગળવાર
પ્રદૂષણ અને વધારે પ્રમાણમાં વાળ ધોવાથી તે રૂક્ષ અને નબળા થઈ જાય છે. આ સ્થિતીમાં વાળ ખરવા, ખોડો તેમજ ડ્રાયનેસ જેવી સમસ્યા પણ થઈ જતી હોય છે. વાળને સોફ્ટ અને શાઈની બનાવવા માટે પાર્લરમાં ટ્રીટમેન્ટ પણ થાય છે.
જો કે આ ટ્રીટમેન્ટની અસર પણ થોડા સમય પૂરતી મર્યાદિત રહે છે. આ રીતે ટ્રીટમેન્ટ કરવામાં ખર્ચ પણ વધારે થાય છે. પરંતુ જો તમને એવો ઈલાજ જાણવા મળે કે જેમાં ખર્ચ પણ ઓછો થાય અને તેની અસર પણ વધારે સમય સુધી રહે તો ?
રેશમ જેવા વાળ માટે
વાળને ચમકદાર અને રેશમ જેવા મુલાયમ કરવા માટે સપ્તાહમાં એકવાર ઓલિવ ઓઈલને હુંફાળુ ગરમ કરી અને વાળમાં લગાવવું. તેલ બરાબર રીતે લગાવ્યા બાદ 10 મિનિટ મસાજ કરી અને વાળને 1 કલાક સુધી બાંધી રાખો. 1 કલાક પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ લેવા. તમારા વાળ મુલાયમ થઈ જશે. જો તમારા વાળ વધારે ડ્રાય હોય તો વાળ ધોયા બાદ પણ 2થી 3 ટીપા ઓલિવ ઓઈલના સીરમની જેમ વાળ પર લગાવી શકાય છે.
ખોડો દૂર કરવા
વાળમાં ખોડો હોય તો સપ્તાહમાં 2 વાર વાળના મૂળમાં ઓલિવ ઓઈલથી મસાજ કરવું. 20 મિનિટ સુધી મસાજ કરી વાળને 1 કલાક પછી ધોઈ લેવા. ઓલિવ ઓઈલમાં વિટામીન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી વાળ ઝડપથી વધે છે અને સોફ્ટ પણ થાય છે. આ તેલનો ઉપયોગ તમામ બ્યૂટી પ્રોડક્ટમાં થાય છે.
વાળ માટે ઓલિવ ઓઈલ જેટલું જ ગુણકારી કમીલિયા ઓઈલ છે જેને ટી સીડ ઓઈલ પણ કહેવામાં આવે છે. આ તેલનો ઉપયોગ પણ ઓલિવ ઓઈલ સાથે કરી શકાય છે. આ તેલનું મિશ્રણ વાળ માટે કંડિશ્નરનું કામ કરશે. ઓલિવ ઓઈલ અને ટી સીડ ઓઈલનું મિશ્રણ વાળમાં લગાવવાથી ખરતા વાળની સમસ્યા દૂર થાય છે અને વાળ મજબૂત બને છે.