રેસ્ટોરન્ટમાંથી કાળા પ્લાસ્ટિકના પેકિંગમાં ફૂડ આવે છે તો થઇ જાઓ સાવધાન, થઇ શકે છે ગંભીર બીમારી
Restaurant Plastic Container: આજકાલ વ્યસ્ત લાઈફસ્ટાઈલના કારણે બહારથી ફૂડ મંગાવવું એ સામાન્ય બાબત બની ગઈ છે. પાર્ટી હોય, ઓફિસ મીટિંગ હોય કે ઘરે મહેમાન હોય, આજકાલ રેસ્ટોરન્ટમાંથી ટિફિન કે ફૂડ ડિલિવરીનો ટ્રેન્ડ ઝડપથી વધી ગયો છે. મોટાભાગની હોટલો અને રેસ્ટોરન્ટ પ્લાસ્ટિકના કન્ટેનરમાં ફૂડ પેક કરીને આપવામાં આવે છે.
આ બોક્સ સ્વચ્છ અને અનુકૂળ લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાં રાખેલ ગરમ ખોરાક ધીમે ધીમે કેન્સર જેવા જીવલેણ રોગોનું કારણ બની શકે છે? ચાલો જાણીએ કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં ફૂડ પેક કરવું કેટલુ ખતરનાક બની શકે છે અને આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ છીએ.
પ્લાસ્ટિકના કન્ટેનર કેન્સરનું જોખમ કેવી રીતે વધારે છે?
બિસ્ફેનોલ-A અને ફ્થેલેટ્સ
ઘણા પ્લાસ્ટિક કન્ટેનર BPA જેવા કેમિકલ્સથી બનાવવામાં આવે છે, જે શરીરની હોર્મોનલ સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. જ્યારે આ કન્ટેનરમાં ગરમ ખોરાક અથવા તેલયુક્ત ખોરાક સંગ્રહિત કરવામાં આવે છે, ત્યારે આ કેમિકલ્સ ખોરાકમાં પ્રવેશી શકે છે. આ ધીમે ધીમે શરીરમાં એકઠું થઈ શકે છે અને કેન્સર, હોર્મોનલ ઈમબેલેન્સ અને વંધ્યત્વનું કારણ બની શકે છે.
ગરમ ખોરાક સાથે પ્લાસ્ટિકની પ્રતિક્રિયા
ગરમ ખોરાક પ્લાસ્ટિક સાથે પ્રતિક્રિયા કરીને ઝેરી રસાયણો છોડે છે. પ્લાસ્ટિકના કન્ટેનર, ખાસ કરીને માઇક્રોવેવમાં ગરમ કરેલા કન્ટેનર, સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.
ઓછી ગુણવત્તાવાળા અને રિસાયકલ પ્લાસ્ટિકનો ઉપયોગ
ઘણી નાની રેસ્ટોરાં અને ડિલિવરી કંપનીઓ સસ્તા અને નબળી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, જે ફૂડ-ગ્રેડ નથી. આ કન્ટેનરમાંથી નીકળતા કેમિકલ્સ ઘણા ગંભીર રોગોનું કારણ બની શકે છે.
કયા રોગોનું જોખમ વધે છે?
- કેન્સરનું જોખમ, મુખ્યત્વે બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, કોલોન કેન્સરનું જોખમ વધી શકે છે
- થાઇરોઇડ અને હોર્મોનલ ડિસઓર્ડરની શક્યતા
- પ્રજનન ક્ષમતામાં ઘટાડો
- સગર્ભા સ્ત્રીઓમાં ગર્ભ માટે જોખમ
- લીવર અને કિડની પર અસરો
- મેટાબોલિક ડિસઓર્ડર અને સ્થૂળતા જેવી બીમારી થઇ શકે છે.
આ પણ વાંચો: કેરી ખાતા સમયે આ 5 વાતનું ખાસ રાખવું જોઈએ ધ્યાન, નહીંતર સ્વાસ્થ્ય પર પડશે અસર
આનાથી બચવા શું કરવું?
- જ્યારે પણ તમે ભોજન ઓર્ડર કરો, ત્યારે રેસ્ટોરન્ટને ફૂડ-ગ્રેડ કન્ટેનર અથવા એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરવાનું કહો
- જો ખોરાક પ્લાસ્ટિકના કન્ટેનરમાં આવ્યો હોય, તો તેને તરત જ કાચ અથવા સ્ટીલના કન્ટેનરમાં કાઢી લો.
- માઇક્રોવેવમાં ક્યારેય પ્લાસ્ટિકના કન્ટેનર ગરમ ન કરો. આના કારણે કેમિકલ્સ સીધા ખોરાકમાં ભળી શકે છે.
- ઘણા લોકો વારંવાર સિંગલ-યુઝ પ્લાસ્ટિક કન્ટેનરનો ઉપયોગ કરે છે, આ આદત છોડી દો.
કન્ટેનર પર ચેક કરો આ નંબર
મોટાભાગના પ્લાસ્ટિક ફૂડ કન્ટેનરના તળિયે એક નંબર લખેલો હોય છે, જેના આધારે નક્કી કરી શકાય છે કે તે સલામત છે કે નહીં. ઉદાહરણ તરીકે 7, 3 અને 6 નંબરના કન્ટેનર ફૂડ પેક કરવા માટે સલામત માનવામાં આવતો નથી.