હવે કોઈને ટાલ નહીં પડે, મળી ગયો ખરતા વાળનો રામબાણ ઈલાજ... નામ છે PP405
Hair Loss Treatment: ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી-સૌંદર્યને ચાર ચાંદ લગાવતાં સોળ શૃંગારનો ઉલ્લેખ છે અને એ સોળમાંનો એક શૃંગાર છે માથાના વાળ. સુંદર વાળ વિના સ્ત્રી જ નહીં, પુરુષનું વ્યક્તિત્વ પણ અધૂરું ગણાય છે. છેલ્લા થોડા વર્ષોમાં વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં પણ પુરુષો અને સ્ત્રીઓમાં વાળ ખરવાનું પ્રમાણ વધી ગયું છે. પુરુષોમાં તો યુવા વયે ટાલ પડી જવાનું બહુ સામાન્ય થઈ ગયું છે. ઈન્જેક્શનો, દવાઓ અને અનેક પ્રકારના દેશી નુસખા અજમાવવા છતાં માથાના વાળની વૃદ્ધિમાં કોઈ ફરક પડતો ન હોવાનું મોટા ભાગના લોકોને લાગે છે. હારી-થાકીને ઘણાં લોકો ‘હેર ટ્રાન્સપ્લાન્ટ’ કરાવતા હોય છે, પણ એ સારવાર મોંઘી હોવાથી બધાંને પોસાય એમ નથી હોતું અને એનું પરિણામ પણ વ્યક્તિ-વ્યક્તિએ અલગ-અલગ હોય છે. આવા માહોલમાં વિજ્ઞાનીઓએ PP405 નામની એક નવીન દવા શોધી કાઢી છે, જેને ખરતા વાળ માટે રામબાણ ઈલાજ ગણાવાઈ રહ્યો છે.
વાળ ખરવાના અનેક કારણો
વાળ ખરવા પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે, વારસાગત, હોર્મોનમાં ફેરફાર થવા, દવાની આડઅસર, તણાવ, શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ, વાળની સારવારમાં ખામી, વધુ પડતું ફાસ્ટફૂડ, નશીલા પદાર્થોનું વ્યસન, વાળ ધોવા-બાંધવાની ખોટી રીત, પર્યાવરણીય ફેરફાર, પ્રદૂષિત વાતાવરણમાં વસવાટ અને વધતી વય વગેરે.
આ પણ વાંચો: કેન્સર જેવી બીમારીઓથી બચાવશે સૂંઠ, જાણો વૈજ્ઞાનિક અને આયુર્વેદિક લાભ
PP405 શું છે અને કેવી રીતે કામ કરે છે?
PP405 એ ખરતા વાળને અટકાવતી એક નવીન સારવાર પદ્ધતિ છે, જેનો હેતુ વાળ ખરવાનું મુખ્ય કારણ ગણાતા ડાયહાઇડ્રોટેસ્ટોસ્ટેરોન (DHT) હોર્મોનને નિયંત્રિત કરવાનો છે. DHT વાળના ફોલિકલ્સને ધીમે ધીમે નાના અને નબળા બનાવે છે, જેને લીધે સમય જતાં નબળા વાળ ખરી જાય છે અને પછી નવા વાળ ઉગતાં જ નથી. PP405 સુસ્ત થઈ ગયેલા ફોલિકલ્સને ફરી કાર્યરત કરીને નબળા પડી ગયેલા વાળને મજબૂત બનાવે છે અને ખરી ગયેલા વાળને સ્થાને નવા વાળ ઉગાડે છે.
પ્રથમ બે તબક્કામાં PP405 પાસ થઈ ગઈ છે
બે પ્રાથમિક પરીક્ષણોમાં PP405ના હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે. મિનોક્સિડિલ અને ફિનાસ્ટેરાઇડ જેવી ખરતા વાળ માટે હાલમાં વપરાતી દવાઓ ઘણી વાર તમામ દર્દી પર એકસમાન અસરકારકતા દાખવતી નથી, પણ PP405 ના પરિણામ એકસમાન મળ્યા હોવાથી સંશોધકો ઉત્સાહમાં છે. હાલમાં એના પર ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરીક્ષણો કરાઈ રહ્યાં છે. આ દવા બજારમાં ઉપલબ્ધ નથી.
PP405ની શોધક કંપની ‘પેલેજ ફાર્માસ્યુટિકલ્સ’ વર્ષ 2026માં ચોથા તબક્કાના પરીક્ષણો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. એમાં પણ આ દવા ખરી ઉતરી તો સંભવતઃ વર્ષ 2027માં તે માર્કેટમાં મુકાશે. પશ્ચિમી દેશોમાં તો અત્યારથી જ PP405 ને વાળની સમસ્યા માટે રામબાણ ઈલાજ ગણાવીને તેના પર ‘ગ્રેટ અનબાલ્ડિંગ’નું લેબલ મારી દેવાયું છે.
આડઅસર વિનાનું ઝડપી પરિણામ
PP405ના પ્રારંભિક પરીક્ષણોમાં માત્ર 8 અઠવાડિયામાં જ વાળની ઘનતામાં 20% થી વધુ વધારો નોંધાયો છે, જે અન્ય દવાઓ કરતાં ઘણી વધુ ઝડપ ગણાય છે. આ દવાની અત્યાર સુધી કોઈ આડઅસર પણ સામે નથી આવી, જેને લીધે એના ઉપરની વિશ્વસનીયતા વધી ગઈ છે.
આ દવા કઈ રીતે લેવાની હોય છે?
PP405 એ ગોળી કે ઇન્જેક્શન નથી, પણ પ્રવાહી ફોર્મમાં લોશન છે. આ દવા વાળ ખરી ગયા હોય એ હિસ્સામાં લગાવીને છોડી દેવાનું હોય છે, બસ. પછી દવા આપમેળે કામ કરવા લાગે છે.
આ પણ વાંચો: ડિપ્રેશન કે તણાવથી બચવા દરરોજ કરવા જોઈએ આ 3 યોગાસન, ભાગદોડભરી જિંદગીમાં મદદગાર
PP405 કયા દેશમાં શોધાઈ છે?
PP405 ની શોધ અમેરિકામાં થઈ છે. ‘પેલેજ ફાર્માસ્યુટિકલ્સ’ અને ‘યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ’ (UCLA) ના સંશોધકો દ્વારા આ દવા શોધાઈ છે. આ દવા જો માર્કેટમાં મૂકાઈ અને ઈચ્છિત પરિણામ મળ્યા તો વિશ્વભરના અનેક સ્ત્રી-પુરુષો માટે એ ચમત્કારથી કમ નહીં હોય.