ટ્રમ્પ બુધ્ધિ વગરના ઘરડા વ્યક્તિ છેઃ ઉત્તર કોરિયાના નિવેદન બાદ અકળાયુ અમેરિકા
વોશિંગ્ટન, તા.10 ડિસેમ્બર 2019, મંગળવાર
અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેનો ટકરાવ વધુ ઉગ્ર બની ગયો છે. ઉત્તર કોરિયાએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને અક્કલ વગરનો વૃધ્ધ વ્યક્તિ અને ખુશામત પ્રેમી ગણાવતા અમેરિકા રોષે ભરાયુ છે.
એ પછી હવે અમેરિકાએ ઉત્તર કોરિયા સામે કાર્યવાહી કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની બેઠક બોલાવી છે. આ પહેલા ટ્રમ્પે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ સામે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, ઉત્તર કોરિયા દુશ્મનીભરી હરકતો અને અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચંચૂપાત કરીને સબંધો નહી બગાડે તેવી આશા છે.
હાલમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે અણબનાવ છે. બંને દેશો વચ્ચેની પરમાણુ વાર્તા નિષ્ફળ નિવડી છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
દરમિયાન ઉત્તર કોરિયાના પૂર્વ વિદેશ મંત્રી કિમ યંગ ચોલે ટ્રમ્પના ટ્વિટ પર પ્રતિક્રિયા આપીને ટ્રમ્પને અકલ વગરના ઘરડા વ્યક્તિનુ બિરુદ આપી દીધુ છે.
ઉત્તર કોરિયા તરફથી થઈ રહેલી નિવેદનબાજીના કારણે એવા પણ સંકેત મળી રહ્યા છે કે, પરમાણુ હથિયારો અંગેની વાટાઘાટોમાં જો અમેરિકા ઉત્તર કોરિયાને રાહત નહી આપે તો ઉત્તર કોરિયા અમેરિકાની ઉશ્કેરણી કરવા માટેની હરકતો ચાલુ રાખશે.
દરમિયાન અગાઉ ટ્રમ્પ સાથે થયેલી વાટાઘાટો દરમિયાન મિસાઈલ પરીક્ષણ માટેનુ જે સ્થળ નષ્ટ કરવાનો વાયદો કિમ જોંગે કર્યો હતો તેજ સ્થળ પરથી ગઈકાલે ઉત્તર કોરિયાએ વધુ એક મિસાઈલ પરીક્ષણ કર્યુ હોવાનુ મનાઈ રહ્યુ છે.