પત્નીના ચહેરાને પતિ બનાવી દે છે વિકૃત, પ્રથા પાછળનું કારણ જાણી દંગ રહી જાય છે લોકો
મ્યાંમાર, 12 જાન્યુઆરી 2019, શનિવાર
દરેક પુરુષ ઈચ્છે છે કે તેની પત્ની ગુણકારી અને સુંદર દેખાવ ધરાવતી હોય. પરંતુ આજે તમને એવી જનજાતિ વિશે જાણકારી મળશે જ્યાં પુરુષ સુંદર નહીં વિકૃત દેખાવ ધરાવતી પત્નીની ઈચ્છા રાખે છે. અહીં પતિ જ પોતાની પત્નીનો દેખાવ ખરાબ કરી તેને વિકૃત બનાવી દે છે. આ જનજાતિની આ વિચિત્ર પ્રથા પાછળનું કારણ પણ આજે તમને જાણવા મળશે.
મ્યાંમારમાં રહેતી ચિન અને મુન ટ્રાઈબ એવી છે જે પોતાની પત્નીને કુરુપ બનાવવા માટે પ્રખ્યાત છે. આ જનજાતિના પુરુષ પોતાની પત્નીના ચહેરા પર ભદ્દા ટેટૂ બનાવડાવે છે. વિચિત્ર વાત એ છે કે આ ટેટૂ ભુંડ અને ગાયની ચરબીથી બનેલા હોય છે જેના કારણે તેના પ્રત્યે ઘૃણા વધે છે. આ ટેટૂ માટે રંગ જંગલી છોડથી બનાવવામાં આવે છે જેના કારણે જોખમ વધી જાય છે.
આ જનજાતિમાં આ પ્રથા વર્ષોથી ચાલી આવે છે. આમ કરવા પાછળનું કારણ અસુરક્ષાનો ભાવ હોવાનું માનવામાં આવે છે. મ્યાંમારમાં વર્ષો પહેલા એક રાજા હતો જે અહીંની સુંદર સ્ત્રીઓ પર ખરાબ નજર રાખતો હતો. નિર્દયી રાજા સુંદર સ્ત્રીઓનું શારીરિક શોષણ કરતો અને તેમને સેક્સ સ્લેવ તરીકે રાખતો. આ ત્રાસથી બચવા માટે અહીંના પુરુષો પોતાની પત્નીનો ચહેરો ખરાબ કરવા લાગ્યા અને ત્યારથી આ પ્રથા સતત ચાલી આવે છે.