ફેશનેબલ પુરુષોમાં ફેવરિટ બનતા 'મેંકલ'
સામાન્ય રીતે આપણે એડી સુધીના લંબાઈના પાયજામા કે ટ્રાઉઝર પહેરવા ટેવાયેલા છીએ. ૫ણ લોકોને ટૂંકા પાયજામા જોવાનું થોડું આશ્ચર્યજનક લાગે. પણ હવે ફેશન ડિઝાઈનરોએ પુરુષો માટે ઘુંટીથી થોડે ઉપર સુધી આવે એટલી ટૂંકી પેન્ટ બનાવવાની ફેશન શરૂ કરી છે. આવી પેન્ટને તેમણે 'મેંકલ' નામ આપ્યું છે. મેંકલ એટલે કે મેન અને એંકલ. પુરુષની ઘુંટી દેખાય એવા ટ્રાઉઝર બનાવવા પાછળનો તર્ક સમજાવતાં ફેશન ડિઝાઈનરો કહે છે કે એ સમય વિતી ગયો જ્યારે પુરુષોના પગ એકદમ ખરબચડા કે ચીરાવાળા હોય.
હવે તેઓ પોતાના સૌંદર્ય પ્રત્યે એકદમ સજાગ બની ગયા છે. વળી અમેરિકાના કેટલાક જાણીતા ફેશન ડિઝાઈનરોએ મેંકલ બનાવવાનો આરંભ કર્યો છે તેથી તેની ફેશન ભારતમાં પણ આવી પહોંચી છે. ભારતની એક જાણીતી ફેશન ડિઝાઈનર કહે છે કે આવા ટ્રાઉઝર પ્રત્યેક પુરુષને ન શોભે.
જો તમારું ફિગર આકર્ષક હોય, એટલે કે તમે સ્થૂળકાય ન હોય, તમારું પેટ બહાર ન હોય અને તમારા પગ આકર્ષક હોય તો જ તમે મેંકલ પહેરી શકો. અલબત્ત, મેંકલ સાથે જે તે વ્યક્તિ માત્ર બૂટ જ પહેરી શકે, મોજાં નહીં. તેથી જો મોજાં વિના બૂટ પહેરવાની તૈયારી હોય તો જ મિંકલ ખરીદવાનો વિચાર કરજો.
ભારતમાં પણ મેંકલની માગ વધતાં અહીંના એક ફેશન ડિઝાઈનરે પુરુષો માટે ટૂંકા ટ્રાઉઝર ડિઝાઈન કર્યાં છે. તે કહે છે કે લોફર્સ કે લેસવાળા પગરખાં સાથે નાની બોટમનાં ટૂંકા ટ્રાઉઝર ખૂબ જચે છે. મઝાની વાત એ છે કે જે ફેશનેબલ પુરુષોને આવા ટ્રાઉઝર નથી મળતાં તે પોતાની પેન્ટને ઘુંટીથી ઉપર સુધી વાળીને મેંકલ લુક બનાવી લે છે.
જોકે પુરષોના ટ્રાઉઝર ઘણાં વર્ષથી એક જ પેટર્નના ચાલ્યા આવતા હતા. પછી શોર્ટસ અને થ્રી-ફોર્થસનો ટ્રેન્ડ શરૂ થયો હવે ફેશનેબલ પુરુષોન ગમી રહ્યા છે.