વર્જિનિટી ટેસ્ટની પ્રથાનો વિરોધ કર્યો તો થઈ સજા !
ભારતીય સંસ્કૃતિમાં લગ્નમાં અનેક પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. એમાની કેટલીક પરંપરાઓ તો અનિવાર્ય હોય છે. મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં કંજરભાટ નામના સમુદાયમાં એક એવી પ્રથા છે જેના વિશે સાંભળીને તમને નવાઈ લાગશે. અહીં લગ્ન પછી છોકરીએ વર્જિનિટી ટેસ્ટ આપવો પડે છે. જેમાં છોકરીઓએ સાબિત કરવું પડે છે કે તે લગ્ન પહેલા કુંવારી છે. જો કોઈ છોકરી આ ટેસ્ટમાં ફેલ થાય તો એને પાછી પિયર મોકલી દેવામાં આવે છે. તાજેતરમાં જ આ સમુદાયના એક પરિવારને આ પ્રથાનો વિરોધ કર્યો તો આખા પિરવાસ સાથે વિચિત્ર વર્તન કરવામાં આવ્યું.
ઠાણેમાં એક પરિવારે આ પ્રથાનો વિરોધ કર્યો તો વાત છેક પોલીસ સુધી પહોંચી ગઈ. પોલીસે પીડિત પરિવારની ફરિયાદ લીધી અને અંબરનાથ શહેરના ૪ લોકો વિરુદ્ધ મહારાષ્ટ્ર જન સામાજિક બહિષ્કાર નિષિદ્ધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો. ફરિયાદ કરનારા વિવેક તામચીકરે પોલીસને જણાવ્યું કે એમના સમુદાયની જાતિ પંચાયતે ગત એક વર્ષથી એમના પરિવારનો બહિષ્કાર કર્યો છે. તમને નવાઇ લાગશે કે તેમનો બહિષ્કાર માત્ર એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેમણે આ રિવાજનો વિરોધ કર્યો હતો.
ફરિયાદી વિવેકે કહ્યું કે થોડાં વખત પહેલા તેમના દાદીનું અવસાન થયું ત્યારે કથિત નિયમોને લીધે એમના અંતિમસંસ્કારમાં સમાજના લોકો શામેલ ના થયા. કારણ કે સમુદાયના તમામ લોકોને પંચાયતે એવી સુચના આપી છે કે આ લોકો સાથે કોઈએ કોઇપણ પ્રકારનો સંબંધ ના રાખવો. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે ગત ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે તે થોડાં જ વખતમાં વર્જિનિટી ટેસ્ટ કરવા માટે ફરજ પાડવાને દંડનીય અપરાધ બનાવવામાં આવશે. એક તરફ આપણો સમાજ નવા સોપાનો સર કરી રહ્યો છે ત્યારે આવી પ્રથા અને રીવાજો સમાજને અંધારામાં ખેંચવાનું કામ કરતી હોય છે.