શિયાળામાં નમક ઉમેરી નહાવું ગરમ પાણીથી, થશે જબરદસ્ત ફાયદા
અમદાવાદ, 17 જાન્યુઆરી 2019, ગુરુવાર
શિયાળામાં દરેક વ્યક્તિ ગરમ પાણીથી જ નહાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ ગરમ પાણીમાં ચપટી મીઠું ઉમેરી દેવામાં આવે તો તેનાથી કેટલાક ફાયદા થાય છે ? ગરમ પાણીમાં નમક ઉમેરીને નહાવાથી શરીરને જબરદસ્ત ફાયદા થાય છે.
શિયાળાની શરૂઆત થાય એટલે ત્વચામાં ફેરફાર થવા લાગે છે. ત્વચા ડ્રાઈ થવા લાગે છે અને વાળ ખરવાનું પ્રમાણ પણ વધી જાય છે. શિયાળામાં ખંજવાળ, ત્વચાની ડ્રાયનેસ, વાળમાં ખોડાની તકલીફ પણ વધી જાય છે. તેવામાં નમકવાળા પાણીથી નહાવાનું શરૂ કરશો તો ત્વચા સાફ થશે અને શરીરનો થાક પણ દૂર થઈ જશે. મીઠાના પાણીથી સ્નાન કરવામાં આવે તો ત્વચાની રંગત પણ નિખરે છે. મીઠામાં જે મિનરલ્સ હોય છે તે ત્વચામાં અંદર સુધી જાય છે અને તેને સાફ કરે છે.
શિયાળામાં શરીરમાં ડ્રાયનેસ થઈ જાય છે તેને દૂર કરવામાં પણ મીઠાનું પાણી ઉપયોગી નિવડે છે. આ પાણીથી નહાવાથી શરીરના કીટાણુ મરી જાય છે અને બીમારીઓથી શરીરનું રક્ષણ થાય છે. નમકવાળું પાણી શરીરમાંથી ડેડ સેલ્સને પણ દૂર કરે છે. હુંફાળુ પાણી અને તેમાં નમક એટલે શરીરના સ્નાયૂને પણ આરામ મળે છે.