લગ્નમાં રોડરોલર પર સવાર થઈ આવ્યા વરરાજા, જોતાં રહી ગયા લોકો નજારો
કૃષનગર, 29 જાન્યુઆરી 2019, મંગળવાર
લોકો પોતાના લગ્નના અવસરને યાદગાર બનાવવા માટે અનેક નવતર પ્રયોગ કરતા હોય છે. પરંતુ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક વરરાજા પોતાની જાનમાં ઘોડા પર કે કારમાં નહીં પરંતુ રોડરોલર લઈને પહોંચ્યા હતા. 30 વર્ષીય અર્કા પાત્રા નામનો વ્યક્તિ પોતાની દુલ્હનને રોડરોલરમાં બેસાડી લઈ આવ્યો. આ નજારો જોઈ લગ્નમાં આવેલા મહેમાનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પાત્રાએ જણાવ્યું હતુ કે, તે પોતાના લગ્નને યાદગાર અને અનોખા બનાવવા હતા. લોકો વિંટેજ કાર લઈને જતા હોય છે પરંતુ તે કંઈ અલગ કર્યુ ન ગણાય. વળી લગ્નમાં કોઈ વરરાજા પોતાની જાન રોડરોલર પર લઈ ગયો હોય તેવું તેણે સાંભળ્યું ન હતું તેથી તેણે વિચાર કર્યો કે તે રોડરોલરમાં જ તેની જાન લઈને જશે. તેણે આ વાત તેની પત્નીને કરી અને તેણે પણ આ કામ કરવા માટે હા કહી દીધી.
મહત્વપૂર્ણ છે કે આ પહેલા પણ આવો જ કિસ્સો ચર્ચામાં હતો જેમાં એક ખેડૂતનો દીકરો પોતાની જાનમાં હેલિકોપ્ટર લઈને પહોંચ્યો હતો. આ લગ્ન છત્તીસગઢના મુંગેલી જિલ્લાના ઘોરપુરા ગામમાં થયા હતા. લગ્ન કરનાર અંકુશએ જણાવ્યું હતું કે તેના દાદાનું સપનું પુરું કરવા તેણે હેલિકોપ્ટરમાં જાન લાવવાનું નક્કી કર્યુ હતું. આ કામ માટે તેણે સ્થાનિક તંત્ર પાસેથી મંજૂરી પણ લેવી પડી હતી.