તહેવારોમાં અસલી ઘી ખાવ છો કે કેમિકલ? આ 4 સરળ ઘરેલુ ટ્રિક્સથી પકડો નકલી ઘીની મિલાવટ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Simple Tests Reveal Adulterated Ghee: તહેવારોની સિઝનમાં ઘરોમાં મીઠાઈઓ, હલવો, દાળમાં વઘાર અને વિવિધ વાનગીઓ બનાવવા માટે ઘીનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે. ઘી વાનગીઓનો સ્વાદ વધારવાની સાથે શરીરને હેલ્ધી ફેટ્સ અને જરૂરી વિટામિન્સ પણ પૂરા પાડે છે. આયુર્વેદમાં પણ સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ઘીને અત્યંત ગુણકારી ગણાવવામાં આવ્યું છે. જોકે, બજારમાં તહેવારો ટાણે ઘીની ભારે માંગ રહેતી હોવાથી કેટલાક નફાખોરો નકલી કે ભેળસેળિયું ઘી વેચવા લાગે છે. સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે માટે અસલી અને નકલી ઘી વચ્ચેનો તફાવત પારખવો ખૂબ જરૂરી છે.
રંગ અને સુગંધથી આ રીતે સમજો તફાવત
શુદ્ધ ઘીને પારખવાનો સૌથી પહેલો રસ્તો તેનો કુદરતી રંગ અને વિશિષ્ટ સુગંધ છે. સામાન્ય રીતે અસલી ઘીનો રંગ હળવો પીળો, સોનેરી પીળો કે સહેજ સફેદ જેવો હોઈ શકે છે. દૂધના સ્ત્રોત (ગાય કે ભેંસ) મુજબ ઘીના રંગમાં થોડો ફેરફાર જોવા મળે છે. પરંતુ જો ઘીમાં અકુદરતી રીતે ખૂબ વધારે પડતો પીળો રંગ દેખાય, તો તેમાં આર્ટિફિશિયલ કલર કે ભેળસેળ હોવાની પૂરી શક્યતા રહે છે.
શુદ્ધ ઘીની એક લાક્ષણિક અને મીઠી સુગંધ હોય છે, જેને સહેજ ગરમ કરવાથી સરળતાથી ઓળખી શકાય છે. જ્યારે હલકી ગુણવત્તાવાળા કે ભેળસેળિયા ઘીમાંથી વિચિત્ર કે તીખી વાસ આવે છે.
ઘરે જ શુદ્ધતા તપાસવાના સરળ ઉપાયો
ગરમ કરીને ઓગાળવાનો ટેસ્ટ: એક સ્વચ્છ વાસણમાં એક ચમચી ઘી લઈને તેને ધીમી આંચ પર હળવું ગરમ કરવું. ઘી કેટલી ઝડપે ઓગળે છે અને તેમાંથી કેવી સુગંધ આવે છે તેના પર ધ્યાન આપવું. શુદ્ધ ઘી કુદરતી રીતે ઝડપથી અને એકસમાન રીતે ઓગળી જાય છે અને તેમાંથી ઘીની સોડમ આવે છે. જો ઘી ઓગળવામાં અસામાન્ય લાગે અથવા બળતી વખતે વિચિત્ર ગંધ આવે, તો તે ભેળસેળિયું હોઈ શકે છે.
ફ્રિજમાં મૂકીને ચકાસણી: થોડા ઘીને થોડા કલાકો માટે ફ્રિજમાં રાખી મૂકો. શુદ્ધ ઘીનું જામવું તેના કુદરતી ફેટી એસિડ પર આધાર રાખે છે. જો ફ્રિજમાં રાખ્યા બાદ ઘી પોતાનો રંગ બદલી નાખે, અલગ-અલગ સ્તરોમાં જામે કે તેની ઉપર અસામાન્ય ચીકાશ તરી આવે, તો તેમાં વનસ્પતિ તેલ કે અન્ય ફેટ્સની ભેળસેળ કરવામાં આવી હોઈ શકે છે.
સ્ટાર્ચની ભેળસેળ પકડવા આયોડિન ટેસ્ટ: ઘીનું વજન અને જથ્થો વધારવા માટે ઘણીવાર તેમાં બાફેલા બટાકા કે સ્ટાર્ચની ભેળસેળ કરવામાં આવે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) પણ આ ભેળસેળ પકડવા માટે આયોડિન ટેસ્ટ કરવાની સલાહ આપે છે. આ માટે એક ચમચી ઘીમાં થોડું પાણી ઉમેરી તેને હળવું ગરમ કરી ઠંડુ પડવા દો. ત્યાર પછી તેમાં ટિંકચર આયોડિનના થોડાં ટીપાં નાખો. જો ઘીનો રંગ બદલાઈને વાદળી કે જાંબલી થઈ જાય, તો તેમાં સ્ટાર્ચની ભેળસેળ કરવામાં આવી છે તેની પુષ્ટિ થાય છે.
બજારમાંથી ઘી ખરીદતી વખતે આ બાબતો ધ્યાનમાં રાખો
પેકિંગવાળું ઘી ખરીદતી વખતે પેકેટ પર લખેલી સામગ્રીની યાદી ધ્યાનથી વાંચવી જેથી તેમાં કોઈ અન્ય તેલનું મિશ્રણ ન હોય. આ ઉપરાંત FSSAIનો માન્ય લાઇસન્સ નંબર, પેકેટનું સીલ અને 'બેસ્ટ બીફોર' કે એક્સપાયરી ડેટ અવશ્ય તપાસવી જોઈએ. જો તમે ખુલ્લું ઘી ખરીદી રહ્યા હોવ, તો ફક્ત જાણીતી, પ્રમાણિત અને વિશ્વાસપાત્ર ડેરી કે દુકાન પરથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.




