સૂતી વખતે શરીરને લાગતા ઝટકાનું જાણો કારણ
અમદાવાદ, 28 માર્ચ 2019, ગુરુવાર
ઘણીવાર તમે પણ અનુભવ્યું હશે કે ભર ઊંઘમાં સૂતા હોય ત્યારે અચાનક એક ઝટકો અનુભવાય છે. ઊંઘમાં કોઈ સપનું જોતી વખતે આ ઝટકો લાગ્યાનો અનુભવ થાય છે. આ સ્થિતીમાં ઊંઘ પણ ઉડી જાય છે અને તમે ખ્યાલ આવે છે કે તમે પથારીમાં જ સૂતા છો. તો ચાલો આજે તમને જણાવીએ કે ઊંઘ થતા આ અનુભવ પાછળ કારણ શું છે.
જ્યારે આપણે ઊંઘ કરીએ છીએ ત્યારે અનુભવાતા આ ઝટકાને હાઈપેનિક જર્ક કહેવાય છે. એક રીસર્ચ અનુસાર દુનિયાભરમાં 70 ટકા લોકોને આ અનુભવ થાય છે. આ સમય દરમિયાન લાગે કે જાણે તમે ઊંચાઈ પરથી નીચે પટકાઈ રહ્યા છો. ક્યારેક તો લોકો ચીસ પણ પાડી દેતા હોય છે. આ હાઈપેનિક જર્ક કોઈ રોગ નથી. આ સ્થિતી ઊંઘ અને જાગૃત અવસ્થા વચ્ચેની સ્થિતી હોય છે. જ્યારે વ્યક્તિ ઊંઘ ન શકતી હોય કે ન જાગી શકતી હોય તે સમયે આ અનુભવ થાય છે.
આ સ્થિતી એક રિએક્શન છે જેમાં મગજની નસોમાં સંકુચન ઉદ્ભવે છે અને તેના કારણે શરીર કંટ્રોલમાં રહેતું નથી. તેના કારણે જણાય છે કે શરીર નીચે પટકાઈ રહ્યું છે. જ્યારે વ્યક્તિ આરામથી પથારીમાં જ હોય છે.
આમ થવાનું મુખ્ય કારણ માનસિક તાણ હોય છે. કોઈ વાતની ચિંતા જ્યારે વધારે સતાવે ત્યારે મગજ આરામ કરી શકતું નથી અને આ પ્રકારના અનુભવ થાય છે. માનસિક ચિંતા ઉપરાંત વ્યસન પણ આ સ્થિતી પાછળનું કારણ બને છે. શરીરમાં આયરનની ખામી પણ આ અવસ્થાને આમંત્રણ આપે છે.