ઘરમાં ઉપયોગી આ વસ્તુઓની એક્સપાયરી ડેટનું પણ હોય છે મહત્વ
નવી દિલ્હી, 18 જૂન 2019, મંગળવાર
બ્રેડ, બિસ્કીટ અને અન્ય ખાણીપીણીની વસ્તુઓની એક્સપાયરી ડેટ ચેક કર્યા બાદ જ આપણે તેને ખરીદીએ છીએ. જે વસ્તુની ડેટ જતી રહી હોય તેને લેવાનું આપણે ટાળીએ છીએ અને જો ઘરમાં આવી વસ્તુ હોય તો તેને ફેંકી દઈએ છીએ. જો કે આ વસ્તુઓ સિવાય અન્ય ઘર ઉપયોગી વસ્તુઓ પણ છે જેની એક્સપાયરી ડેટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વસ્તુઓની એક્સપાયરી ડેટ પણ મહત્વની હોય છે. કઈ કઈ છે આ વસ્તુઓ ચાલો જાણી લો તમે પણ.
તકિયા
તકિયા ફોમના હોય કે રુના તેનો આકાર થોડા સમયમાં ખરાબ થઈ જાય છે. જ્યારે આવું થાય ત્યારે સમજી લેવું કે તકિયાને બદલી દેવાનો સમય આવી ગયો છે. તકિયામાં જ્યારે ડસ્ટ જમા થઈ જાય છે ત્યારે તેનાથી સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ પડે છે. આવા તકિયાનો ઉપયોગ કરવાથી શરદી, ઉધરસ, ઈંફેકશન જેવી તકલીફો થાય છે. ફોમના તકિયા 1થી 3 વર્ષ સુધી ચાલે છે ત્યારબાદ તેને બદલી દેવા જોઈએ.
ટુવાલ
ટુવાલનો ઉપયોગ તો આપણે રોજ કરીએ છીએ. આ વસ્તુને પણ એક નિયત સમય સુધી જ ઉપયોગમાં લેવી જોઈએ. બ્રાંડેડ ટુવાલ 2થી 3 વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય જ્યારે સાદા ટુવાલ 1થી દોઢ વર્ષમાં બદલી દેવા જોઈએ. ટુવાલનો ઉપયોગ કરો ત્યારબાદ તેને હવા ઉજાસ અને તડકામાં સુકવો જેથી તેમાં બેક્ટેરિયા જામી ન જાય. વર્ષો સુધી એક જ ટુવાલનો ઉપયોગ કરવાથી તેમાં બેક્ટેરિયા થઈ જાય છે અને તેનો ઉપયોગ કરવાથી ત્વચાને નુકસાન થાય છે.
ગાદલા
ગાદલાનો ઉપયોગ નિયમિત રીતે કરતા લોકોએ જાણવું જરૂરી છે તે તેને પણ 3 વર્ષ પછી બદલી દેવા જોઈએ અથવા તો તેમાંથી રુ કાઢી અને નવું રૂ ભરવું જોઈએ. સમયાંતરે ગાદલાના કવરને પણ ધોવા જરૂરી છે. 5 વર્ષથી વધારે જે ગાદલાનો ઉપયોગ થાય છે તે દબાઈ જાય છે. આવા ગાદલાનો ઉપયોગ કરવાથી શરીરને તકલીફ થાય છે.
સ્લીપર્સ
બાથરુમ સ્લીપર્સનો ઉપયોગ કરો ત્યારે ધ્યાન રાખવું કે તેને 6 માસમાં બદલી દેવા. તેમાં ક્રેક્સ થઈ જાય છે વળી બેક્ટેરિયા પણ ઘરમાં ફેલાઈ શકે છે. પગને ત્વચાને પણ આ સ્લીપર્સ નુકસાન કરે છે.
હેર બ્રશ અને ટુથબ્રશ
હેર બ્રશને 1 વર્ષમાં જરૂર બદલો. તેમજ આ બ્રશ જ્યારે ખરાબ થઈ જાય તો તેને તુરંત સાફ કરો. મેલા દાંતીયાના ઉપયોગથી વાળ ખરવા, ખોડો થવો જેવી સમસ્યા થઈ શકે છે. ટુથબ્રશની વાત કરીએ તો તેને દર 30 દિવસે બદલી દેવું. ટુથબ્રશ ખરાબ થાય અને તેનો ઉપયોગ કરવાથી દાંતમાં ઈંફેકશન થઈ જાય છે.
બાથ સ્પોન્જ
એકને એક બાથ સ્પોન્જ વર્ષો સુધી ઉપયોગમાં લેવાથી તેનાથી ફંગસ ફેલાઈ છે. બાથ સ્પોન્જને દર 2 સપ્તાહમાં બદલી દેવા જોઈએ. ઉપયોગમાં લીધા બાદ આ સ્પોન્જને સુકાઈ જાય તેવી રીતે લટકાવવું.