- પોતાને ઈન્ટરનેટનું પહેલું પાનું ગણાવતા Redditનો અશ્લીલતા ફેલાવવાનો કાળો ઈતિહાસ
અમદાવાદ, તા. 25 ઓગષ્ટ 2022, ગુરૂવાર
સોશિયલ મીડિયાના વધી રહેલા પ્રસાર વચ્ચે લોકોની પ્રાઈવસી પણ મોટા પાયે જોખમાઈ રહી છે. લોકોના ખાસ કરીને મહિલાઓના સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા ફોટોનો ખૂબ જ દુરૂપયોગ પણ થઈ રહ્યો છે જે એક ચિંતાજનક બાબત કહી શકાય.
Revenge Pornની નવી દુનિયાનો ઉદ્ભવ
રિવેન્જ પોર્નની એક નવી દુનિયાનો ઉદ્ભવ થયો છે જ્યાં કોઈની જાણકારી વગર જ તેમની અંગત જાણકારીઓ શેર કરવામાં આવી રહી છે. ખાસ કરીને પૂર્વ પાર્ટનર્સ દ્વારા આ પ્રકારની અંગત જાણકારીઓ, તસવીરો, ફોન નંબર વગેરે શેર કરવામાં આવે છે. આવા કિસ્સાઓમાં જે-તે મહિલાનો ફોટો વાયરલ થયા બાદ તે મહિલાએ અને તેના પરિવારજનોએ ક્ષોભજનક સ્થિતિનો અનુભવ કરવો પડતો હોય છે અને અનેક કિસ્સાઓમાં ડિપ્રેશનમાં સરી પડેલા લોકો આત્મહત્યાનો રસ્તો પણ અપનાવતા હોય છે.

મહિલાઓની જાણ બહાર તેમના ફોટો-વીડિયોની ચોરી
સોશિયલ મીડિયામાં એવા અનેક પેજીસ, એકાઉન્ટ્સ, ગ્રુપ્સ, સાઈટ્સ વગેરે સક્રિય છે જ્યાં આ પ્રકારના તસવીરો, વીડિયોની આપ-લે થતી હોય છે. આવા પેજીસ, એકાઉન્ટ્સમાં મહિલાઓની તસવીરો નીચે ખૂબ જ અભદ્ર કોમેન્ટ્સનો પણ મારો ચાલતો હોય છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે પરથી મહિલાઓના ફોટોની ચોરી કરીને તેને આ પ્રકારના ગ્રુપ્સમાં શેર કરવામાં આવતા હોય છે. તે સિવાય શારીરિક સંબંધો દરમિયાન મહિલાઓનું ચોરીછુપીથી રેકોર્ડિંગ કરીને તે વીડિયોનું પણ આ પ્રકારે વેચાણ થતું હોય છે. મહિલાઓની અશ્લીલ તસવીરોની નીચે અમાનવીય યૌન ટિપ્પણીઓનો પણ મારો ચાલતો હોય છે.
અશ્લીલતાની તમામ હદો પાર
આ પ્રકારના ગ્રુપ, પેજીસમાં ઘણી વખત પોર્ન ફોટોઝ શેર કરીને તે પ્રકારના વીડિયોની ખુલ્લેઆમ માગણી થતી હોય છે. જેમાં તે પ્રકારના ફોટો-વીડિયો ધરાવતા લોકો પૈસાના બદલામાં પોતાની પાસે રહેલી સામગ્રી આપીને રોકડી કરતા હોય છે. ઉપરાંત શેર કરવામાં આવેલા ફોટોની સોશિયલ પ્રોફાઈલ પણ માગવામાં આવતી હોય છે જેથી બાદમાં જે-તે વ્યક્તિ પાસે બિભત્સ માગણી કરી શકાય. ઘણી વખત તે વ્યક્તિ સુધી પહોંચીને તેના સાથે દુષ્કર્મની ધમકીઓ આપવામાં આવતી હોય છે અને જો તાબે ન થાય તો પરિવારજનોને કહી દેવામાં આવશે તેવું કહીને પોતાની માગણી સંતોષવા માટે ડરાવવામાં આવતા હોય છે.
Redditની કાળી બાજુ
પોતાને ઈન્ટરનેટનું પહેલું પાનું ગણાવતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વાત કરીએ તો દરરોજ 5 કરોડ લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. તેના યુઝર્સ ફોરમ ચલાવી શકે છે જેને સબરેડિટ્સ કહેવામાં આવે છે. તે અનેક મુદ્દાઓ પર બનાવી શકાય છે અને તે ખાસ નુકસાનકારી પણ નથી હોતા. જોકે રેડિટ અશ્લીલતા ફેલાવવાનો કાળો ઈતિહાસ પણ ધરાવે છે.

2014ના વર્ષમાં એક સેલિબ્રિટીની અંગત તસવીરો રેડિટ પર શેર કરવામાં આવી ત્યાર બાદ કંપનીએ 3 વર્ષ માટે ડીપ ફેકનો ઉપયોગ કરતા કેટલાક ગ્રુપ બંધ કરી દીધા હતા. સબરેડિટ્સના મોડરેટરનું કામ રેડિટના નિયમોનું પાલન કરવાનું હોય છે પરંતુ આ પ્રકારના સબરેડિટ્સના મોડરેટર્સ તેનો ખુલ્લેઆમ દુરૂપયોગ કરતા હોય છે.
આ પ્રકારની સામગ્રીને પ્રોત્સાહન આપતા સબરેડિટ્સના અલગ-અલગ નામ ધરાવતા અનેક વર્ઝનો હોય છે જેમાં દરેકના હજારો એક્ટિવ યુઝર્સ હોય છે અને દરેકમાં એક સરખી સામગ્રી જોવા મળતી હોય છે. ઘણી વખત કોઈ મહિલા પોતાના ફોટો-વીડિયો ડીલિટ કરાવવા માટે કંપનીનો સંપર્ક સાધતી હોય છે પરંતુ ત્યાં સુધીમાં તે સામગ્રી અનેક લોકો સુધી પહોંચી ગઈ હોય છે.
Collector Cultureના રૂપકડા નામ નીચે અશ્લીલતાને પ્રોત્સાહન
નગ્ન તસવીરોના વેપારનું દૂષણ એટલી હદે વધી ગયું છે કે, તેને 'કલેક્ટર કલ્ચર' એવું એક રૂપકડું નામ પણ આપી દેવામાં આવ્યું છે. વેબસાઈટ, એપ્લિકેશન્સ, અંગત ચેટ ગ્રુપ્સ દ્વારા એકબીજા સાથે સંકળાયેલા હજારો પુરૂષો તેમાં સક્રિય હોય છે.


