શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક્સ જતું રોકવા અપનાવો આ 6 ઉપાય, કેન્સર જેવી બીમારીનું જોખમ પણ ઘટશે
Microplastics Exposure: વર્તમાન સમયમાં પ્લાસ્ટિક આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયું છે, પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટિક માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં આપણા શરીરમાં પણ પ્રવેશી રહ્યું છે? આ પ્લાસ્ટિકના ખૂબ જ નાના કણો છે, જે હવા, પાણી, ખોરાક વડે આપણા શરીરમાં પ્રવેશે છે. ઘણા રિસર્ચ જણાવે છે કે શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક્સનું લેવલ વધવાથી કેન્સર, હોર્મોનલ ઇમ્બેલેન્સ, હૃદય રોગ અને અન્ય ગંભીર રોગોનું જોખમ વધી શકે છે. એવામાં એ જરૂરી છે કે આપણે આપણી લાઇફસ્ટાઇલમાં થોડો ફેરફાર કરીએ, જેથી શરીરમાં માઇક્રોપ્લાસ્ટિકના પ્રવેશને રોકી શકાય.
1. પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ટાળો
પ્લાસ્ટિકની પાણીની બોટલોમાં માઇક્રોપ્લાસ્ટિકના કણો હોય છે, જે પાણીમાં ભળી જાય છે. જો તમે દરરોજ પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીઓ છો, તો તમારા શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રવેશવાનું જોખમ વધારે છે.
આનાથી બચવા સ્ટેનલેસ સ્ટીલ અથવા કાચની બોટલનો ઉપયોગ કરો. તેમજ બને ત્યાં સુધી પ્લાસ્ટિકની બોટલોને ગરમી કે સૂર્યપ્રકાશમાં ન રાખો, કારણ કે તેનાથી પ્લાસ્ટિકના વધુ કણો નીકળી શકે છે.
2. પ્લાસ્ટિક પેક્ડ ફૂડ ટાળો
આજકાલ, બજારમાં મોટાભાગના ફૂડ પ્રોડક્ટ પ્લાસ્ટિક પેકેજિંગમાં આવે છે, જેના કારણે માઇક્રોપ્લાસ્ટિક્સ ખોરાકમાં પ્રવેશી શકે છે.
આનાથી બચવા માટે પ્લાસ્ટિક પેક્ડ સ્નેક્સ, ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને જ્યુસને બદલે ફ્રેશ અને ઘરે બનાવેલો ખોરાક લો. તેમજ બને ત્યાં સુધી કાચ કે સ્ટીલના ડબ્બામાં ખોરાક સંગ્રહ કરો.
3. નળના પાણીને ફિલ્ટર કરો અને તેને પીવો
એક રિસર્ચ મુજબ, નળના પાણીમાં માઇક્રોપ્લાસ્ટિક કણો હોઈ શકે છે, જે ધીમે ધીમે શરીરમાં એકઠા થાય છે.
આવું ન થાય તે માટે સારી ક્વોલીટી ધરાવતાં પાણીના ફિલ્ટર્સનો ઉપયોગ કરો. તેમજ જો શક્ય હોય તો, પાણીને RO અથવા UV ફિલ્ટર દ્વારા ફિલ્ટર કર્યા પછી જ પીવો.
4. સિન્થેટીક કપડાંનો વધુ પડતો ઉપયોગ ટાળો
પોલિએસ્ટર અને નાયલોન જેવા કાપડમાં પણ માઇક્રોપ્લાસ્ટિક હોય છે, જે તેનું વિસર્જન કરે છે. ખાસ કરીને જ્યારે આપણે તેને વોશિંગ મશીનમાં ધોઈએ છીએ.
એવામાં આનાથી બચવા માટે કોટન, લિનન અને ઊન જેવા કુદરતી કાપડમાંથી બનેલા કપડાં પહેરો. તેમજ સિન્થેટીક કપડાંને વારંવાર ધોવાનું ટાળો અને ઇકો-ફ્રેન્ડલી ડિટર્જન્ટનો ઉપયોગ કરો.
5. પ્લાસ્ટિકના વાસણોમાં ગરમ ખોરાક ન ખાવો
જ્યારે ગરમ ખોરાક પ્લાસ્ટિકના સંપર્કમાં આવે છે, ત્યારે તેમાંથી ઝેરી તત્ત્વો બહાર નીકળી શકે છે, જે શરીર માટે હાનિકારક છે.
આવું ન થાય તે માટે પ્લાસ્ટિકના વાસણોને બદલે સ્ટીલ, કાચ કે માટીના વાસણોનો ઉપયોગ કરો. આ ઉપરાંત માઇક્રોવેવમાં પ્લાસ્ટિકના કન્ટેનરનો ઉપયોગ ન કરો, તેના બદલે તમે કાચના વાસણોનો ઉપયોગ કરી શકો છો.
આ પણ વાંચો: AC ખરીદવાનું વિચારો છો? તો લેતા પહેલા એકવાર આ માહિતી જરૂર વાંચી લો
6. હવાને સ્વચ્છ રાખવા માટે એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો
હવામાં માઇક્રોપ્લાસ્ટિક પણ હોય છે, જે શ્વાસ દ્વારા આપણા શરીરમાં પ્રવેશી શકે છે. તેથી, તે વધુ સારું છે કે તમે સારી ગુણવત્તાવાળા એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો.
તેમજ ઘરમાં એર પ્યુરિફાયર અથવા છોડ લગાવો, જે હવાને શુદ્ધ કરે છે. ઘરની સ્વચ્છતા પર ધ્યાન આપો અને બને તેટલું કુદરતી વેન્ટિલેશન રાખો.