'ઈરફાન' સાથે ત્રણ દાયકા ૫ૂર્વે ગાળેલી યાદો બન્ની વાસીઓના માનસપટ પર જીવંત થઈ
- કચ્છના બન્ની વિસ્તારમાં 'મુઝસે દોસ્તી કરોગે' બાળ ફિલ્મનું શુટીંગ થયુ હતુ
- બન્નીના રંગે રંગાયેલા ઈરફાન શુટીંગ ના હોય તો પણ સ્થાનિક પહેરવેશ પહેરી રાખતા
ભુજ,બુધવાર
બોલીવુડ અભિનેતા ઈરફાન ખાને આજે આપણા સહુ વચ્ચેથી કાયમ માટે વિદાય લીધી. ૫૩ વષિય અભિનેતા ન્યુરો એન્ડોક્રાઈન ટયુમરથી પીડાતા હતા. ઈરફાન અમેરિકામાં સારવાર મેળવી સાજા થયા હતા જો કે મોટા આંતરડાના ઈન્ફેકશનથી પીડાતા હતા. સંવાદો અને પોતાની આંખોથી દર્શકોને જકડી રાખનારા ઈરફાન ખાનની વિદાયે બન્નીવાસીઓની આંખો ભીની કરી નાખી છે. આજથી ત્રણ દાયકા પૂર્વે અભિનેતા ખાન કચ્છના મહેમાન બન્યા હતા. ' મુઝસે દોસ્તી કરોગે' એક બાળ ફિલ્મમાં તેમણે બાળ કલાકારના પિતાની ભુમિકા ભજવી હતી.
ધોરડો ગામના સરપંચ મિયાં હુસેન ગુલબેગ મુતવાએ જણાવ્યુ હતુ કે, વર્ષ-૧૯૯૧માં ઈરફાન ફિલમના પુરા યુનિટ સાથે પુરા બે મહિના ધોરડોમાં રોકાયા હતા. મુઝસે દોસ્તી કરોગે ફિલ્મનું ધોરડો ઉપરાંત હાજીપીર તેમજ વેકરીયાના રણ સુધી શુટીંગ ચાલ્યુ હતુ. ગોપી મહેતા ડિરેકટર હતા. તેમાં સલીમ અમરોહી, હબીબ તન્વર, દિપ્તી દવે, અનીતા કંવલ, અનંગ દેસાઈ સહિતના કલાકારોએ ભુમિકા ભજવી હતી. ચિલ્ડ્રન્સ ફિલ્મ સોસાયટી ઓફ ઈન્ડિયા દ્વારા આ બાળ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યુ હતુ.૧૯૯૨માં રીલીઝ થયેલી આ ફિલ્મ ૧ કલાક ૩૬ મિનીટની હતી.
આ ફિલ્મમાં બન્નીના પરિવેશ અને ગ્રામિણ સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવી હતી. ઈરફાનને બન્નીની સંસ્કૃતિ ખુબ જ ગમતી હતી. શુટીંગ ના હોય ત્યારે પણ તેઓ સ્થાનિક પહેરવેશ પહેરી રાખતા હતા. દેશની અનેક ભાષાઓમાં ડબ થયેલી ૧૯૯૩ના નેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં આ ફિલ્મને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મના એવોર્ડ સહિતના અનેક વિદેશી એવોર્ડ પણ મળ્યા હતા.
ઈરફાન ખાન હવે આ દુનિયામાં નથી ત્યારે બન્નીવાસીઓએ તેમની સાથે વિતાવેલી પળોને યાદગાર રૃપે મનાવી રહ્યા છે.