સલારી ગામ કન્ટેઈન્ટમેન્ટ ઝોન જાહેર
મુંબઈથી આવેલા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ
ભુજ,શુક્રવાર
કચ્છમાં છેલ્લા ઘણા સમયથી કોરોના વાયરસની કહેર વધુને વધુ ફેલાઈ રહ્યો છે. કચ્છમાં લોકલ સંક્રમણથી કચ્છમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા ન હતા પરંતુ કચ્છમાં મુંબઈ, મહારાષ્ટ્ર, સુરત, અમદાવાદ, વડોદરા, પુના, નાસિક સહિતના વિસ્તારમાંથી આવતા કચ્છવાસીઓના લીધે કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યા છે. ત્યારે, રાપર તાલુકાના સલારી ગામે કોરોના પોઝીટીવ આવતા ચિંતા ફરી વળી છે. રાપર તાલુકાના ગાગોદર, પ્રાગપર અને હવે સલારીમાં મુંબઈથી આવેલ હોમ કવોરન્ટાઈન થયેલા લોકોમાં કોરોના પોઝીટીવ કેસ નિકળતા સનસનાટી મચી ગઈ હતી. મુંબઈગરાના લીધે કેસ બહાર આવતા લોકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. મુંબઈથી આવેલ રમેશ હરખાભાઈ રાવરીયાનો પોઝીટીવ કેસ બહાર આવ્યો હતો. આજે કેસ પોઝિટીવ બહાર આવતા તાલુકા વિકાસ અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસર, પી.આઈ સહિતના સંબંધિતો ગામમાં દોડી ગયા હતા. સલારી ગામને કન્ટેમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. પોઝીટીવ આવેલા રમેશભાઈને હોમ કવોરન્ટાઈન કરવામાં આવેલા હતા. તેમની સાથે નવ વ્યકિતને કોરોના સંક્રમણના લક્ષણો છે કે નહિં તે માટે આરોગ્ય તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. રાપર તાલુકામાં ત્રીજો કેસ બહાર આવતા સનસનાટી મચી જવા પામી છે.