ભુકંપના આંચકાથી કચ્છમાં પણ ફફડાટ ડરના માર્યા લોકો ઘર બહાર દોડયા
- કુદરત રૃઠી કોરોના, વરસાદ અને હવે ભુકંપ
- ભચાઉમાં રબારીવાસમાં છત તુટી પડતા પોપરા ખરી પડયા
ભુજ,રવિવાર
એક તરફ કોરોનાનો ડર તો બીજી તરફ વરસાદી માહોલ આ વચ્ચે આજે અકલ્પનીય એવો ભુકંપનો જોરદાર આંચકો આવતા લોકો ફફડી ઉઠયા હતા. માત્ર, કચ્છમાં જ નહિં બલકે આખા ગુજરાતમાં અનુભવાયેલા પાંચાથી વધુની તીવ્રતાવાળા ભુકંપના આંચકાએ ભારે એવી ચિંતા જગાવી હતી. રાત્રિના ૮.૧૨ કલાકે આવેલા આંચકાના પગલે લોકો ડરના માર્યા રસ્તા પર દોડી આવ્યા હતા.
કચ્છમાં ૨૦૦૧માં ૬.૯ની તીવ્રતાનો ભુકંપનો આંચકો આવ્યો હતો. આ ભુંકપાથી કચ્છવાસીઓએ ઘણુ ગુમાવ્યુ હતુ. સગા સ્નેહીઓાથી માંડીને પોતાના રહેણાંક મકાનો અને મિલકતો પણ ગુમાવી હતી. જે દર્દનાક પળ આજે પણ લોકોને યાદ આવી જાય તો કંપારી છુટી ઉઠે. તેવામાં આજે રાત્રિના કચ્છમાં પણ ૫.૮ની તીવ્રતાવાળા આંચકાએ ભારે એવી ચિંતા જગાવી હતી.
આજે રવિવાર હોતા મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે ઘરોમાં હતા. અને જમવાની તૈયારીમાં હતા તેમજ ટીવીમાં વરસાદ અને કોરોનાના સમાચાર જોઈ રહ્યા હતા. બરાબર તેવા જ સમયે આવેલા ભુકંપના આંચકાએ લોકોને ઘડી ભરમાં રસ્તામાં લાવી દીધા હતા. મહિલાઓ, નાના બાળકો, યુવાનો અને વડીલો પણ ઘર મુકીને રસ્તા પર દોટ મુકી હતી. બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો. એકતરફ કોરોનાનો ડર છે તો બીજી તરફ, વરસાદી માહોલ તેવામાં કુદરતી રૃઠી હોય તેમ આજે ભુકંપના આંચકાથી લોકોમાં ચિંતા જોવા મળી હતી.
આજે આવેલા ભુકંપના આંચકાથી ખાસ એવા નુકશાનના કોઈ સમાચાર સાંપડયા ન હતા પરંતુ ભચાઉમાં જીઈબી કચેરી પાછળ રબારી વાસમાં છત તુટી પડતા પોપડા ખરી પડયા હતા. ઉપરાંત ભચાઉ તાલુકાના આંબરડીમાં દિવાલમાં તીરાડ પડી હતી. અન્યત્ર કયાંય પણ નુકશાનના સમાચાર મળ્યા ન હતા.