ભુજ પાલિકામાં ચાલતી ભ્રષ્ટાચાર સામે ભાજપના જ ત્રણ કાઉન્સીલરો મેદાનમાં
- ડ્રેેનેજ શાખા દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો ખુદ ચેરમેનનો આરોપ
- ચીફ ઓફીસર પાસેથી બંને વિભાગની 2 વર્ષની કામગીરીની વિગતો મંગાઈ, કોર્ટમાં જવાની ચીમકી
- ડ્રેનેજ તથા વોટર સપ્લાય શાખાના કૌભાંડ સામે આંદોલન તથા એસીબીમાં ફરીયાદ કરવાની ભાજપના નગરસેવકોની ચીમકી
ભુજપાલિકામાં અધિકારી, પદાધિકારી અને બ્રાન્ચ હેડોની મિલીભગતથી નબળા અને કાગળ પર કામ કરીને બનાવાતા બિલો સામે ભાજપના જ ૩ નગર સેવકોએ અવાજ ઉઠાવતા હલચલ મચી ગઈ છે. ગટર બ્રાન્ચ અને વોટર સપ્લાર્ય દ્વારા કરોડોના આચરાયેલા કૌભાંડ સામે ખુદ ડ્રેનેજ વિભાગના ચેરમેને જ અવાજ ઉઠાવતા સુધરાઈના સત્તાધીશો દોડતા થઈ ગયા છે.
આ અંગે મળતી માહિતી મુજબ વોર્ડે.૪ના ભાજપના નગરસેવકોએ ભાજપ શાસીત પાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાર મુદે અવાજ ઉઠાવતા અનેક તર્કવિતર્કો ઉભા થયા છે. છેલ્લા બે સપ્તાહથી ભુજમાં મોટાભાગની પાણી અને ગટરની લાઈનો બેસી ગઈ છે જે પાછળ નબળા કામ જવાબદાર છે ત્યારે આ બંને વિભાગમાં કઈ હદે ખાયકી ચાલી રહી છે તેવી ચર્ચા છેડાઈ હતી. આ વાતને હવે ખુદ ડ્રેનેજ વિભાગના ચેરમેને દિલિપ હડીયાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને સમર્થન આપતા હવેં તો કુંભકર્ણની નિંદ્રામાં સુતેલા ઉચ્ચ અધિકારીઓ ભુજપાલિકાના જવાબદારો સામે પગલા ભરે તેવી માંગ ઉઠી છે.
વોર્ડ.૪ના નગરસેવકો પૈકી હેમાબેન ભાનુશાલી, ડ્રેનેજ કમિટીના ચેરમેન દિલીપ હડીયા તથા રજાક માંજોઠીએ આ મુદે પ્રાદેશિક કમિશ્નર સમક્ષ લેખિત રજુઆત કરીને પોતાના જ પક્ષના સત્તાધીશોની પોલ ખોલી છે. તેઓએ જણાવ્યું હતું કે, તેઓ ડ્રેનેજ કમિટિના ચેરમેન હોવાછતાં એન્જીનીયર સહિતના કર્મચારીઓ ઉપરવટ જઈને કામગીરી કરે છે.
શહેરમાં થતાં એકપણ કામ અંગે ચેરમેન હોવાછતાં કોઈ જ જાણકારી અપાતી નથી. ખુદ તેઓ જે ફરીયાદ લખાવે છે તેના ઉકલ માટે પણ તેઓ દાદ આપતા નથી. તેમના વોર્ડ.૪માં ગટરમિશ્રિત પાણી આવતું હોવાની ફરીયાદ છતાં તેનો ઉકેલ કરાયો નથી. હડીયાએ ડ્રેનેજ શાખામાં મેન્ટેનન્સ અને લાઈનોના સમારકામના નામે લાખો રૂપીયાનો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરીને પુરાવારૂપ સુધરાઈમાંથી તા. ૧ એપ્રિલ ૨૦૧૮ થી ૩૧ માર્ચ ૨૦૧૯, તથા ૧ એપ્રિલ ૨૦૧૯ થી ૩૧ માર્ચ ૨૦ સુધીના કામગીરી,મેન્ટેન્સ, લાઈનો નાખવા ,સમારકામ સહિતના તમામ કામના બિલની નકલ, વાર્ષિકભાવથી કોની પાસે કામ કરાવાયા તેના આધાર માંગતા ચીફ ઓફીસરથી માંડીને નગરપતિ લત્તાબેન સોલંકીના પગ નીચેથી ધરતી ખસી ગઈ છે.
ત્રણે નગરસેવકોએ વધુમાં વોટર સપ્લાય શાખામાં પણ મોટાપાયે કૌભાંડ આચરાતા હોવાનો ઉલ્લેખ કરીને બે વર્ષની તમામ કામના દસ્તાવેજોની માંગણી કરી છે. રીપેરીંગ લાઈન, ક્યો વિસ્તાર, ખર્ચ,કારોબારીની મંજુરી , ટેન્ડર પ્રક્રિયા સહિતનો ડેટા માંગતા ભાજપના કારોબારી સભ્યોની ઉંઘ હરામ થઈ ગઈ છે. પાણી વિભાગમાં પાણી ન આવવા બાબતની ફરીયાદોને દાદ મળતો નથી આમછતાં કરોડોના બિલ કેમ ઉભા થાય છેતે સવાલ સીઓને કરાયો છે. સુધરાઈમાં કર્મચારીઓને ભ્રષ્ટાચાર કરાવવામાં પદાધિકારીઓ પણ સામેલ હોવાથી સોના પગ તળે રેલો આવે તેમ હોતા વિગતો ન માંગવા માટે મનામણાની કામગીરી શરૂ થઈ છે. જો પાલિકા આ વિગતો ૮ દિવસની અંદર નહીં આપે તો કચેરીની સામે ઉપવાસ આંદોલન તથા કોર્ટમાં જવાની તેમજ એસીબીમાં ફરીયાદ દાખલ કરવાની ચીમકી આપી છે.