તુણા નજીક ફ્લાઈંગ સ્કવોડની ટીમ ઉપર હુમલો : ફરિયાદના બદલે સમાધાન !!

ગેરકાયદે ખનીજનું વહન કરતા વાહનોને પકડતા
ખનીજ ખાતાએ ૪ વાહનો ઝડપી સંતોષ માન્યો, ફ્લાઇંગ સ્ક્વોડના કર્મચારી માર ખાતા હોય તેવો વિડીયો પણ વાયરલ થયો
રાત્રે બનેલા બનાવ અંગે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વાઈરલ વીડીયોમાં જોવા મળે છે કે, અંજારના તુણા પોર્ટ તરફના માર્ગે ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કોડના અધિકારીએ ઓવરલોડ બ્લેક ટ્રેપ ખનીજ મામલે ૪ ટ્રકને અટકાવી હતી. જે દરમિયાન ટ્રક માલિકે પોતાના લોકો સાથે મળીને માથાકૂટ કરી હતી. ખાણ ખનીજ વિભાગના અધિકારીને માર માર્યો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. આ બાબતે સૂત્રોએ જણાવ્યુ હતું કે આ ઘટના બાદ સ્થાનિક કચેરીની દરમિયાનગીરી બાદ દાદાગીરી કરનાર ટ્રક માલિક અને સ્કોડના અધિકારી વચ્ચે સમાધાન થઈ જતા મારામારી સહિતના બનાવની પોલીસ ફરિયાદ નોંધવાઇ ન હતી. તો બીજી તરફ કંડલા મરીન પોલીસ મથકે પણ મોડી સાંજ સુધી આ બાબતે કોઈ ફરિયાદ આપવા ન આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ મામલે ખાણ ખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, ફ્લાઈંગ સ્કોડ દ્વારા અટકવાયેલી ૪ ટ્રકમાંથી ૩ ટ્રકને ભગાડી જવાઈ હતી. જે બાદ ૩ ટ્રકોને પાછળથી ઝડપી લેવાઈ છે. તો બીજી તરફ સરકારી ફરજ પરના અધિકારી પર ચાલુ નોકરીએ હુમલો કરાયા બાદ પણ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા સમાધાન કરી લેતા હવે આવનારા સમયમાં ખનીજ માફિયાઓની હિમ્મત વધુ વધશે અને તંત્રના આવા વલણના કારણે જ આવનાર સમયમાં આવા બનાવો બને તો જવાબદારી કોની તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.

