કચ્છમાં ભારે પવન સાથે મેઘરાજાના મંડાણ વાગડ-પાવરપટ્ટીમાં દોઢથી બે ઈંચ વરસાદ
- સવારથી સખત ગરમી અને અસહ્ય ઉકળાટ
ભુજ,રવિવાર
પ્રિ-મોન્સુન એકટીવીટીના ભાગરૃપે કચ્છમાં હળવા વરસાદની આગાહી વચ્ચે આજે કચ્છમાં મેઘરાજાના મંડાણ થયા હોય તેમ સવારથી સાંજ સુધી કચ્છના મોટા ભાગના તાલુકાઓમાં હળવા ઝાપટાથી માંડીને બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સવારથી જ સખત બફારો અને અસહ્ય ઉકળાટ વચ્ચે બપોરના ભાગમાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી હતી. ભારે પવન સાથે વરસેલા વરસાદથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા. કાચા ઘરોના પતરા પણ ઉડયા હતા. વહેલી સવારે ભુજમાં જોરદાર ઝાપટુ વરસતા માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા. ભુજને અડીને આવેલા ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. નખત્રાણા તાલુકાના પાવરપટ્ટીના ગામોમાં ભારે પવન સાથે અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાપર તાલુકાના ગાગોદર, રામવાવ, મુંદરાના પત્રી, લાખાપર, ભુજપુર,દેશલપુર, અંજારના મથડા, ચાંદ્રોડા, ખંભરા,રતનાલ તેમજ ભચાઉ તાલુકાના ગામો સહિતના સ્થળોએ મેઘરાજાએ હાજરી પુરાવી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે. દિવસભર સખત ગરમી અને અસહ્ય ઉકળાટ અનુભવાય છે. તો બીજીતરફ પ્રિ-મોન્સુનની એકટીવીટીના ભાગરૃપે વરસાદની પણ કચ્છમાં એન્ટ્રી થઈ છે. જેના ભાગરૃપે આજે કચ્છમાં રાપર, ભચાઉ, અંજાર, મુંદરા, ભુજ, નખત્રાણા સહિતના તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. કચ્છના અનેક તાલુકાઓમાં સવારથી મેઘરાજાના મંડાણ થયા હતા. વરસાદ પૂર્વે ધુળની ડમરીઓ ઉડી ગઈ હતી. નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારમાં તો ભારે પવન સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા વૃક્ષો ધરાશાયી થયા હતા. કાચા ઘરોના પતરા પણ ઉડી ગયા હતા. દિવસભર આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. તો કેટલાય ગામોમાં સામાન્ય વરસાદમાં પણ વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો. અંજારના ખંભરા ગામે ભારે પવનના કારણે ઘરોના પતરા ઉડી ગયા હતા. ખેતરોમાં રહેતા ખેડૂતોના ઘરોમાં નુકશાન પહોંચ્યુ હતુ.બાગાયતી પાકોને પણ નુકશાન પહોંચ્યુ હતુ
સાંજના ભાગે ૫ણ રાપર શહેર ઉપરાંત કલ્યાણપર, નીલપર, રતનપર, નંદાસર અને પ્રાગપર સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.
નાની ગોધીયાર ગામે વીજળી પડતા વાછરડીનું મોત
નખત્રાણા તાલુકાના નાની ગોધીયાર ગામે વીજળી પડતા વાછરડીનું મોત થયુ હતુ તેમજ વીજ ઉપકરણોને નુકશાન પહોંચ્યુ હતુ. દેવપર યક્ષમાં ભારે પવનના કારણે વીજ પોલમાં નુકશાન પહોંચ્યુ હતુ. ઝાડ પર વીજ વાયરો પડયા હતા
આણંદપર પંથકમાં પતરા ઉડયા, કેરીઓ ખરી પડી
આજે બપોરના ચાર વાગ્યાની આસપાસ પવન જોરદાર પવન સાથે વાવાઝોડું ફૂંકાયું હતું.જેના પગલે આણંદપર (યક્ષ) ગામમાં અરજણ ભાણજી છાભૈયાના મકાનના તેમજ પાટીદાર સમાજ વાડીનું કામ ચાલુ હોતા પતરા ઉડયા હતા.દેવપર(યક્ષ)માં વીજરેશા વૃક્ષો પર પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. જીયાપરમાં અમુક જગ્યાએ વૃક્ષો તેમજ તેમની ડાળખીઓ પડી હતી.
ખેતરોમાં પાણી ભરાયા, વાવણીલાયક વરસાદથી કચ્છના ખેડૂતો ખુશખુશાલ
આજે કચ્છના કેટલાક ગામોમાં અડાધાથી બે અઢી ઈંચ વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ વાવણીલાયક વરસાદ બની રહ્યો છે. ખેતરોમાં પાણી ભરાતા આગામી દિવસોમાં ખેડ કરી વાવેતર કરાશે. એટલે હવે ૨૦ દિવસ સુાધી વરસાદ ન આવે તો પણ વાંધો આવે તેમ નાથી. આજના વરસાદના પગલે એરંડાનું મબલખ વાવેતર કરાશે તેમ ખેડૂતોએ જણાવ્યુ હતુ.
પાવરપટ્ટી વિસ્તારમાં જોરદાર પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
ભુજ તાલુકાના ઝુરા ગામે દિવસભરના ઉકળાટ અને ગરમી બાદ બપોરે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. અંદાજે ચાલીસેક મિનીટમાં ૨૫ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. ગામની શેરીઓમાં પાણી વહી નિકળ્યા હતા. તોફાની પવનના લીધે વૃક્ષો ધરાશાયી થયા હતા. ઝુરા ઉપરાંત લોરીયા, સુમરાસર, ઢોરી, કુનરીયા, નિરોણા સહિતના પાવરપટ્ટી પંથકમાં જોરદાર પવન સાથે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. ખેડૂતોએ વાવણીલાયક વરસાદ હોવાનું જણાવ્યુ હતુ.
માણાબા પંથકમાં દોઢ ઈંચ વરસાદ મીઠાના અગરોમાં પાણી ભરાયા
માણાબા પંથકમાં ધોધમાર દોઢાથી બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જેના પગલે મીઠાના અગરોમાં ૫ણી ભરાયા હતા. ભચાઉ તાલુકાના કાંઠાળ વિસ્તારના જંગી, વાંઢીયા, શિકારપુર, રાપર, ધોરાવીરા, બાલાસર, મોવાણા સહિતના ગામોમાં વેગીલા વાયરા સાથે અડાધાથી પોણો ઈંચ જેટલો વરસાદ પડયો હતો. ભારે પવનના કારણે આ વિસ્તારમાં પણ અમુક વૃક્ષો ધરાશાયી થયા હતા.
કોટડા(થરાવડા) મધ્યે આવેલ બીએસએનએલનું જુનું ટાવર ધરાશયી
અમુક જગ્યાએ પતરા ઉડયા હતા અને વૃક્ષો ધરાશયી થયા હતા.નખત્રાણા તાલુકાના કોટડા(થરાવડા) મધ્યે આવેલ બી.એસ.એન.એલ.નું જુનું ટાવર ધરાશયી થઈ ગયું હતું. આણંદસરની વાડીઓમાં આંબાના ઝાડપરાથી કેરીઓ પડતા ખેડુતોને નુકસાન ભોગવવાનો વખત આવ્યો હતો.મંગવાણા માં વરસાદ પડતા શેરીઓમાંથી પાણી વહી નીકળ્યા હતા.